ગુજરાત સરકારના નિર્ણયથી સ્કૂલ સંચાલકોને બખ્ખા! જાણો વર્ષોથી અમલી નિયમ કેમ અચાનક બદલી દેવાયો
જાણો અચાનક ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે કેમ લેવો પડ્યો આટલો મોટો નિર્ણય...આખરે આમા વિદ્યાર્થીઓને શું લાભ થશે? બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરાતા સૌથી મોટો ફાયદો કોને થયો?
-
-
-
હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી સ્કૂલોની ગ્રાન્ટ અંગેનો જે મુદ્દો ચર્ચામાં હતો આજે એને અંજામ મળી ગયો છે. ગુજરાત સરકારે એક પ્રકારે શિક્ષણનીતિમાં ફેરફાર કરીને નવી નીતિ અમલી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ચાલી આવતી પરિણામ આધારિત ગ્રાન્ટની વર્તમાન નીતિ રદ કરવામાં આવી છે. ખુદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ અંગેની જાહેરાત કરી દીધી છે.
ઉલ્લેખનીય છેકે, પહેલાં શાળાના પરિણામો એટલેકે મેરિટના આધારે શાળાઓને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હતી. હવે મેરિટ હોય કે ન હોય પણ તમામ શાળાઓને ફિક્સ કરાયેલી રકમની ગ્રાન્ટ તો મળશે જ. સરકારના આ નિર્ણયથી સ્કૂલ સંચાલકોને બખ્ખા થઈ જશે. પહેલાં એવી નીતિ ગુજરાતમાં અમલી હતીકે, જે સ્કૂલનું પરિણામ સારું હોય તેને સારી ગ્રાન્ટ આપવામાં આવતી હતી. ખાસ કરીને શાળાના ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામોને આધારે ગ્રાન્ટની ફાળવણી કરાતી હતી. જેને રદ્દ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
જેથી રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંબધિત લાંબા સમયથી પડતર અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા જેની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહેલ હતી. તેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. પરિણામ આધારિત ગ્રાન્ટની વર્તમાન નીતિ રદ કરવામાં આવી છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ અમલમાં છે. જેમાં શાળાઓનું ધો.10 અને 12નું પરિણામ ઓછું આવે તો તેમને ગ્રાન્ટ ઓછી મળે છે. જ્યારે સારૂં પરિણામ આવે તો પૂરેપૂરી ગ્રાન્ટ મળતી હોય છે. આ ગ્રાન્ટ નીતિ સામે સંચાલકોમાં ભારે નારાજગી છે અને તેને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે આ મામલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક જાહેરાત કરી છે. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી દીધી છે.
પરિણામ આધારિત ગ્રાન્ટ ની વર્તમાન નીતિ બાબતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વિશાળ હિતમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય. તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ ચર્ચા કરવામાં આવ્યા બાદ આ ગ્રાન્ટ અંગે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવા સંચાલક મંડળની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો.
પરંતુ હાલ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક મોટી જાહેરાત કરી છે. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી નાંખી છે. જેના કારણે હવે ગ્રાન્ટેડ શાળાઓને 100 ટકા ગ્રાન્ટ મળશે. માધ્યમિક અને ઉ. મા. શાળાઓને પૂરી ગ્રાન્ટ મળશે. અત્યાર સુધી શાળાઓને પરિણામ મુજબ ગ્રાન્ટ મળતી હતી. ધોરણ 10 અને 12ના પરિણામ પ્રમાણે ગ્રાન્ટ મળતી હતી.