ગુજરાત : રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પ્રવર્તતા પૂર્વના ઠંડા પવનની અસરોથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે અને રાજ્યનાં 6 શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચ્યું હતું. બુધવારે 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. આગામી બે દિવસો દરમિયાન પણ રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવથી ઠંડીનો પારો વધવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી ઘટીને 27.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી ગગડીને 11.2 ડિગ્રી નોંધાયું હતું. એટલે કે, છેલ્લા બે દિવસ કરતાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવા છતાં બેઠી ઠંડીને લીધે લોકોએ દિવસ દરમિયાન ઠંડકનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસો દરમિયાન કોલ્ડવેવની અસરોથી ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.


તો બુધવારે માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને માઈનસ 1 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંદાયું હતું. ઠંડીનું જોર યથાવત રહેતા સતત પાંચમા દિવસે પણ આબુમાં બરફવર્ષા જેવી ઠંડી અનુભવાઈ હતી. 


ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનની અસરોથી ઓખાને બાદ કરતાં રાજ્યનાં તમામ શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. તેમાંય રાજ્યનાં 6 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચતાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારબાદ કંડલા એરપોર્ટ 6.8, ગાંધીનગર 7.2, ડીસા 8.5, અમરેલી 8.5, કંડલા પોર્ટમાં 9.4 ડિગ્રી તેમજ મહુવામાં 10.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસો દરમિયાન ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવથી ઠંડી વધવાની શક્યતા છે.