ભુજ : ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના પગલે કચ્છમાં કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ અનુભવાઇ રહ્યું છે. કચ્છમાં ચારેક દિવસથી અનુભવાઇ રહેલી ઠંડીમાં નલિયામાં સૌથી નીચું તાપમાન જોવા મળી રહ્યું છે જે અંતર્ગત નલિયામાં 10 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. કચ્છના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો છેલ્લા ચારેક દિવસથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઠંડા પવનનાં સુસવાટાનાં કારણે ઉડી રહેલી ધુળની ડમરીઓથી વાહનચાલકોને પરેશાનીમાં મુકાવું પડયું હતું, તો પવનના કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છનાં વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાન પ્રમાણે નલિયામાં 10.0 ડિગ્રી, ભુજમાં 14.9 ડિગ્રી, કંડલામાં 16.9 ડિગ્રી તેમજ આદિપુરમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની સાથે તાપમાનનો પારો વધુ ગગડશે તેવી શક્યતા સેવાઇ હતી. 


ઠંડીનું પ્રમાણ વધવાના કારણે રવીપાકમાં પણ સારો એવો ફાયદો થવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે. કચ્છનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાતા લોકો તાપણાં કરીને ઠંડીથી રક્ષણ મેળવતા થયા છે. કચ્છમાં સામાન્ય રીતે દિવાળી પહેલાં જ ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે ઠંડી થોડી મોડી શરૂ થઈ છે.