ઝી મીડિયા, અમદાવાદ: ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાત (Gujarat) માં કાતિલ ઠંડી (Cold) નું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેરોના તાપમાનમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના 6 જેટલા શહેરોમાં તો 10 ડિગ્રી કરતા પણ ઓછું તાપમાન નોંધાયું છે. અત્રે જણાવવાનું કે ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કચ્છના નલિયાનું તાપમાન તો 4 ડિગ્રીએ પહોંચી ગયું. જ્યારે ડીસામાં 6 ડિગ્રી, રાજકોટ અને જૂનાગઢમાં પણ પારો 9 ડિગ્રી પર પહોંચી ગયો. અમદાવાદમાં ગઈ કાલે 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ઠંડીનું જોર શનિવાર પણ યથાવત રહ્યું. અમદાવાદ, વડોદરા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું જ્યારે કચ્છના નલિયામાં પારો 4 ડિગ્રીએ પહોંચી ગયો. બનાસકાંઠાના ડીસામાં તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે. વલ્લભવિદ્યાનગરનું તાપમાન 11 ડિગ્રી રહ્યું. જ્યારે રાજકોટ અને જૂનાગઢમાં તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં ઠંડા પવને લોકોને ઠૂંઠવી નાખ્યા હતાં. 


જો કે અફઘાનિસ્તાન અને તેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ હોવાથી શનિવાર એટલે કે આજથી તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. આ સિસ્ટમ પાકિસ્તાન થઈને ભારત તરફ આગળ વધી રહી હોવાનું કહેવાય છે. જેના પગલે રવિવારથી પવનની દિશા બદલાવવાની સાથે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે. વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ક્યાંક વરસાદની પણ શક્યતા નકારી શકાય નહીં.