ખેડૂતો તમારો પાક સાચવજો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું
- રાજ્યના 5 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું
- અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો
- 3 અને 4 જાન્યુઆરીએ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં કાતિલ ઠંડીથી લોકોને આંશિક રાહત મળી છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર ઘટી ગયું છે. જે લોકોને પણ અનુભવાઈ રહ્યું છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. એક તરફ ઠંડીમાં રાહત મળી એ સારા સમાચાર છે, પરંતુ વાદળછાયું વાતાવરણ ખેડૂતો માટે માઠા સમાચાર બનીને આવ્યા છે. નવા વર્ષે રાજ્યના ખેડૂતો માટે માવઠાના સમાચાર સામે આવ્યા છે. 3 અને 4 જાન્યુઆરીએ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ત્યારે આજે 2 જાન્યુઆરીથી જ અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી જ અરવલ્લી, હિંમતનગર, મહીસાગરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે.
આ પણ વાંચો : વર્ષનો અંતિમ દિન હોંશેહોંશે ફરવા નીકળેલા કપલના જીવનનો અંતિમ દિવસ બન્યો
માવઠાની આગાહી
રાજ્યમાં વર્ષની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ, એર ડ્રાફ્ટ અને એક સાઈક્લોનિક સરક્યુલેશનના પગલે વાતાવરણમાં પલટો આવશે. દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલમાં 3 અને 4 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં પલટો આવશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કારણ કે, માવઠાથી પાકને ભારે નુકસાન થઈ શકે છે.
ઠંડીમાં આંશિક ઘટાડો
ગુજરાતમાં કડકડતી ઠંડી થોડી ઓછી થઈ છે. પરંતુ તાપમાન પર નજર કરીએ તો, આજે સૌથી ઓછું નલિયામાં 3.3 ડિગ્રી તાપમાન છે. રાજ્યના 5 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. કેશોદમાં 8.3, ભૂજમાં 9.4, રાજકોટમાં 9.7 ડિગ્રી, ડીસામાં 11.3, પોરબંદર 11.5, અમરેલીમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે. અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો : ગોંડલ હાઈવે પર કાર અને ટ્રક એવી જોરદાર ટકરાઈ કે ત્રણ મહિલાઓ અંદર જીવતી ભડથુ થઈ
અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું
સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું છે. વાદળછાયા વાતાવરણને લઈને ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. હિંમતનગરમાં ધુમ્મસ જેવું ધુંધળું વાતવરણ સર્જાઈ ગયું છે. વાદળછાયા વાતાવરણને લઈને જિલ્લાના ખેડૂતો ચિંતિત થયા છે. તો અરવલ્લી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ છવાયું છે. આ વાતાવરણને કારણે જિલ્લાના 1.25 લાખ હેક્ટર પાક પર ખતરાની શક્યતા છે. તો મહીસાગર જિલ્લાના વાતાવરણમાં મોડી રાતથી પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે.