બે સ્વેટર પણ ઓછા પડે તેવી હાડ થીજવતી ઠંડી પડી, ગુજરાતના દરેક શહેરમાં પારો ગગડ્યો

- 31 ડિસેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીના દિવસો આવી ગયા છે. ગુજરાતમાં ગઈકાલથી કાતિલ ઠંડીનું મોજુ (coldwave) ફરી વળ્યું છે. જોકે, હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 2 દિવસ ઠંડીનો પ્રકોપ રહેશે. કચ્છનું નલિયા 3.2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું છે. તો ડીસા, કેશોદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો રીતસરના ઠૂઠવાયા છે. લોકો તાપણું કર્યા વગર બેસી શક્તા નથી. તો ઘરથી બહાર નીકળતા પહેલા બે સ્વેટર પહેરવાની જરૂર પડે તેવી ઠંડી પડી રહી છે.
- કચ્છના નલિયાનું તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું
- બનાસકાંઠાના ડીસાનું તાપમાન 6.7 ડિગ્રી નોંધાયું
- પાટનગર ગાંધીનગરનું તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું
- કેશોદ અને અમદાવાદનું તાપમાન નોંધાયું 8 ડિગ્રી
- અમરેલી અને ભુજનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું
આ પણ વાંચો : શેહશરમ રાખ્યા વગર બેરોજગાર બનેલા રાજકોટના ટ્યુશન સંચાલકે શરૂ કરી પાણીપુરીની લારી
જોકે, હવામાન ખાતાની આગાહી મુજબ, હજુ 3 દિવસ રાજ્યમાં ઠંડીથી કોઈ રાહત નહિ મળે. તો કચ્છમાં આગામી 2 દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાતા હોવાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. પવનની ગતિ પણ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. જોકે, 30 ડિસેમ્બર બાદ જ ઠંડીમાંથી રાહત મળશે. 31 ડિસેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમા ક્યાં ક્યાં ઠંડી પડશે
- 29 ડિસેમ્બર - અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ
- 30 ડિસેમ્બર - અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ
- 31 ડિસેમ્બર - બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ