કમોસમી વરસાદની આગાહી વચ્ચે બાયડમાં સવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
- ગુજરાતમાં 15 દિવસમાં બીજીવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં ખેડૂતોની મહેનત પર ફરી એકવાર માર પડવાનો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાનો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે. આગાહી મુજબ, ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવશે, અને કમોસમી વરસાદ પડશે. ત્યારે આજે અરવલ્લીના બાયડમાં અનેક ગામડાઓમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં 15 દિવસમાં બીજીવાર કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હજી થોડા દિવસ પહેલા જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ફરીથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતા મુજબ કરવામાં આવી છે. આગાહી મુજબ, ગુજરાતમા 8 થી 10 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં આ ત્રણ દિવસની આગાહી મુજબ, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : કમુરતા ઉતરતા જ પીએમ મોદી ગુજરાતીઓને આપશે 4 મોટી ભેટ
- 8 જાન્યુઆરીએ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ આવી શકે છે.
- 9 જાન્યુઆરીના છોટા ઉદેપુર, નવસારી,ભરૂચ ,દાહોદ વરસાદની આગાહી
- 10 જાન્યુઆરીના દાહોદ ડાંગ,ભરૂચ નર્મદા તાપી વરસાદની આગાહી
અરવલ્લીમાં વરસાદ
અરવલ્લીના બાયડ તાલુકાના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. બાયડના વાસણીરેલ સહિત અન્ય ગામોમાં ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે. ત્યારે એકાએક આ કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. તો ધનસુરા, બાયડ પંથકમાં વહેલી સવારથી માવઠુ પડ્યું છે. માવઠાથી રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે. તો માવઠાને પગલે ઠંડીનું જોર પણ વધ્યું છે.
આ પણ વાંચો : અમેરિકામાં ગુજરાતીની હત્યા, બોલાચાલી બાદ અશ્વેત યુવકે મહેશ વશીનું ગળુ દબાવી દીધું