પરપ્રાંતિયોની પરિસ્થિતી જાણવા અમદાવાદ કલેક્ટર કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા
વતન જઈ રહેલા ઉત્તર ભારતીય સાથે વાતચીત કરી અને વતન પાછા જવાનું કારણ જાણ્યું, શહેરમાં કેટલાક વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ
અમદાવાદઃ અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ મોડી સાંજે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને વતન જઈ રહેલા ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરી હતી. તેમણે વતન જઈ રહેલા લોકોને પાછા જવાનું કારણ પુછ્યું હતું અને શહેરમાં તેમને કોઈ પણ પ્રકારનું જોખમ ન હોવાનું જણાવ્યું હતું.
રાજ્યમાંથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયોના પલાયન વચ્ચે અમદાવાદાના કલેક્ટર પોલીસ કાફલા સાથે કાલુપુર સ્ટેશન દોડી આવ્યા હતા.અહીં તેમણે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી હતી.
રાજ્ય સરકાર પુરતી તપાસ કરી રહી છેઃ ગૃહમંત્રી જાડેજા
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ઉત્તર ભારતના લોકો ગુજરાત છોડીને જાય તેવું ષડયંત્ર રચાયું છે. કોંગ્રેસના ૨૦ જેટલા કાર્યકરો અને સંગઠનના સભ્યોનાં નામ ખુલ્યા છે તથા તેમની ધરપકડ કરવામાં આવી છે. કોઈ પણ મોટો નેતા હશે તો પણ કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં આવે. રાહુલ ગાંધી માત્ર ટ્વીટર પર ટ્વીટ કરે તે ચિંતા નથી. કોંગ્રેસના નેતાઓ તોફાન કરાવે એટલે ડબલ ભુમિકા કોંગ્રેસ ભજવી રહી છે. અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઈશારો કર્યો હતો.
માનવાધિકાર પાસે પહોંચ્યો મામલો
રાજ્યમાં થઈ રહેલા પરપ્રાંતીયો પરના હુમલાનો મામલો માનવ અધિકાર આયોગ પાસે પહોંચ્યો છે. ગુજરાત માનવ અધિકાર આયોગે સમગ્ર મામલાનો રિપોર્ટ આપવા આદેશ કર્યા છે. રાજ્યના મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનર પાસેથી માનવ અધિકાર આયોગ દ્વારા 20 દિવસમાં રિપોર્ટ માગવામાં આવ્યો છે.
ઔદ્યોગિક એસોસિએશન અને પોલીસ અધિકારીઓની બેઠક
ગુજરાતમાં ઉત્તરભારતના લોકો પર હુમલાના બનાવોને ધ્યાને રાખી અમદાવાદના વિવિધ ઔધ્યોગીક એસોસિએશન અને પોલીસ અધિકારીઓની ખાસ બેઠક મળી હતી. જેમાં વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા ઉત્તર ભારતીયોની સુરક્ષા અને ઔધ્યોગીક એકમોની સુરક્ષા અંગે પોલીસે લીધેલા પગલા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદમાં વટવા, ઓઢવ અને નરોડામાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં મોટાપાયે કામ પરપ્રાંતીય શ્રમીકો અંગે પોલીસ અને એકમોના માલીકો ચિંતામાં હતા. આથી, ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરીંગ એસોસિએશનની પાલડી ખાતેની ઓફીસે શહેરના એડિશનલ પોલીસ કમિશ્નર અશોક યાદવ અને ઔદ્યોગીક એકમોના હોદ્દેદારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં વર્તમાન પરિસ્થિતી અને તેને આનુસંગીક પગલા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઔદ્યોગિક એકમોએ પોલીસ તંત્રની કાર્યવાહી પ્રત્યે સંતોષ વ્યક્ત કરીને આભાર માન્યો હતો.
અમદાવાદ સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશનર અશોક કુમારે જણાવ્યું કે, અમદાવાદ પોલીસની અપીલ છે કે તમે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. કોઈ પણ વ્યક્તિ કે ગ્રુપ જો કોઈ અફવા ફેલાવે છે તો તમે અમદાવાદ શહેર પોલીસનો તાત્કાલિક સંપર્ક સાધે. અમદાવાદ શહેરમાંથી એક પણ પરપ્રાંતિયએ શહેર છોડ્યું નથી. જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો તેને છોડવામાં આવશે નહીં. અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ નથી. અમદાવાદ શહેર સંપૂર્ણ સુરક્ષિત છે, કોઈએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.