રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં ઠેરઠેર હિંસા વધી રહી છે. રામનવમીથી લઈને અત્યાર સુધી અથડામણનો સિલસિલો યથાવત છે. રામનવમીએ ખંભાત અને હિંમતનગર બાદ ગાંધીનગરના માણસામાં બે દિવસ પહેલા તંગદીલી સર્જાઈ હતી. તેના બાદ હવે વડોદરા ભડકે બળ્યુ છે. રવિવારે રાત્રે વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ થયુ હતું. બે બાઇક વચ્ચે થયેલ અકસ્માત બાદ જૂથ અથડામણ થયુ હતું. જેના બાદ એક કોમના ટોળાએ કોઠીપોળની સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી. સાથે જ તલવારધારી ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાવપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બોલાચાલી થઈ હતી. પ્રાથમિક બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેને પગલે બે જૂથ સામસામે આવી ગયા હતા. બે કોમના ટોળા સામસામે આવી જતા ભારે તંગદીલી સર્જાઈ હતી. લગભગ 300 થી 400 લોકોનું ટોળુ રોડ પર આવી ગયુ હતું. તોફાની તત્વોએ વાહન ચાલકોને રોકીને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ છે. તોફાની તત્વોએ સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો. જેમાં કોઠી પોળ વિસ્તારમાં સાંઈબાબાની પ્રતિમાને ખંડિત કરાઈ હતી. 



આ અથડામણમાં 10 થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરાઈ હતી. સમગ્ર કિસ્સામાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. તોફાનો બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ કમિશનર સહિતના કાફલાએ વિસ્તાર કોર્ડન કરી મામલો શાંત પાડયો. સમગ્ર વિસ્તારને તાત્કાલિક અસરથી કોર્ડન કરવામાં આવ્યો હતો. 



પોલીસે રાત્રે જ સાંઈબાબાની નવી મૂર્તિ સ્થાપના કરાવી
સાંઈબાબાની મૂર્તિ ખંડિત થતા જ લોકો રોષે ભરાયા હતા. જેથી વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ સાંઈબાબાની મૂર્તિનું પુન સ્થાપન કરાયુ હતું. પોલીસની હાજરીમાં સ્થાપના કરાઈ હતી. 



વડોદરાના કોમી તોફાનોના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં રસ્તા પર ઉતરી આવેલુ ટોળુ તથા સામસામે પથ્થરમારા કરતા લોકો વીડિયોમાં સ્પષ્ટ કેદ થયા છે. આ મામલે પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે સમગ્ર ઘટના મામલે જણાવ્યુ કે, અકસ્માતમાં માથાકૂટ થવાને પગલે રાવપુરા વિસ્તારમાં ઘટના બની હતી. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યાં છીએ.