સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટી તક, જીટીયુ ખાતે થશે સ્પેશિયલ વર્ગોનું આયોજન
આગામી 3 જુલાઈથી શરૂ થતાં વર્ગોમાં જોડવવા માટે 25 જૂન સુધી GTU ITAPની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. 1 સપ્તાહના આ ટ્રેનિંગ વર્ગોમાં જોડાવવા માટે 25 જૂન સુધી પ્રિલિમ્સ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ GTU ITAPની https://www.gtuplacement.edu.in/Circular.aspx વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી શકશે.
અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે તે હેતુસર, જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (સીસીસીએ) દ્વારા તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલ જાહેરાત નંબર 30/2022-23ની પ્રિલિમ્સ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે 3 થી 8 જુલાઈ દરમિયાન ઈન્ટર્વ્યું માટેની ટ્રેનિંગનું આયોજન કરાશે
1 સપ્તાહના આ ટ્રેનિંગ વર્ગોમાં જોડાવવા માટે 25 જૂન સુધી પ્રિલિમ્સ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ GTU ITAPની https://www.gtuplacement.edu.in/Circular.aspx વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી શકશે. ટ્રેનિંગ દરમિયાન અભ્યાસક્રમ આધારીત વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. પરીક્ષા સંબધીત તમામ પ્રકારની સૂચના અને કેવી રીતે સમયમર્યાદામાં પેપર પૂર્ણ કરવા જેવી બાબતોથી અવગત કરાવવામાં આવશે. આગામી સમયમાં સરકારના અન્ય વિભાગોની ભરતી અર્થે પણ જીટીયુ દ્વારા વિવિધ ટ્રેનિંગનું આયોજન સમયાંતરે કરવામાં આવશે.
જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામ મેળવે તે અર્થે જીટીયુ દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરાશે. જેનો વિદ્યાર્થીઓને બોહળા પ્રમાણમાં લાભ મળશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પરીક્ષા માટે દરેક લાયક ઉમેદવાર વિદ્યાર્થીઓને આ તકનો સવિશેષ લાભ લેવા માટે જણાવ્યું છે.