સુરતમાં ભાજપના આ નેતા સામે પોલીસે દાખલ કરી ફરિયાદ
ભાજપના મોટા ગજાના નેતા અને મ્યુનિસિપલ બોર્ડના ચેરમેન એવા ધનસુખ ભંડારી સામે તાતીથૈયામાં ગેરકાયદેસર કેમિકલ ટેન્કર ખાલી કરાવાના કેસમાં પોલીસે 6 પાનાંની ફરિયાદ દાખલ કરતાં હડકંપ
તેજશ મોદી/સુરતઃ સુરત શહેરના ભાજપના મોટા ગજાના નેતા અને મ્યુનિસિપલ બોર્ડના ચેરમેન એવા ધનસુખ ભંડારી સામે તાતીથૈયામાં ગેરકાયદેસર રીતે કેમિકલ ટેન્કર ખાલી કરવાના કેસમાં પોલીસે 6 પાનાંની ફરિયાદ દાખલ કરતાં રાજકીય ક્ષેત્રે મોટો ભૂકંપ આવી ગયો છે. કડોદરા જીઆઈડીસીમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. ધનસુખ ભંડારી સહિત કુલ 15 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઝેરી કેમિકલ જાહેરમાં ઢોળી દેવાની ઘટનામાં બે લોકોનાં મોત થયા હતા અને 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. આથી પોલીસે આઈપીસીની કલમ 304, 284, 120B, 114 મુજબ ફરિયાદ દાખલ કરી છે. આ સાથે જ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સુરતના કડોદરાના તાતીથૈયામાં ખાલી કરવામાં આવેલું આ ટેન્કર ઝગડિયાની પ્રહરિત પીગમેન્ટ LLP કંપનીનું ટેન્કર હતું. ધનસુખ ભંડારી આ કંપનીમાં 5 ટકાના ભાગીદાર છે. તેમણે આર્થિક લાભ માટે થઈને ઝેરી એસિડ કેમિકલ ડીલરોને વેચ્યું હતું અને ત્યાર બાદ કડોદરાના તાતીથૈયામાં આ ઝેરી કેમિકલ જાહેરમાં ઠલવવામાં આવ્યું હતું.