લોકસભા ચૂંટણી 2019 : વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના રોડ શોમાં સરકારી વાહનો અને પ્રોટોકોલનો ઉપયોગ કર્યો હોવાથી કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરાઈ, ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા
રવી અગ્રવાલ/ વડોદરાઃ ભાજપના વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ભવ્ય રોડ શો સાથે લોકસભા ચૂંટણી માટેનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીવીઆઈપી પ્રોટોકોલ, સરકારી વાહનો અને સરકારી તંત્રનો ઉપયોગ કર્યાનો આરોપ લગાવી કોગ્રેસે ચૂંટણી અધિકારીને લેખિતમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરતા હડકંપ મચી ગયો છે.
વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે શુક્રવારે ફોર્મ ભરવા જવા માટે શહેરની અમદાવાદી પોળથી કલેકટર કચેરી સુધી ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું. રંજનબેન ભટ્ટની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી હોવાને કારણે સમગ્ર રોડ શોના સમગ્ર માર્ગ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે જ પોલીસે કેટલાક માર્ગો પણ બંધ કરી દીધા હતા અને માર્ગમાં અટચણરૂપ વાહનો પણ ટોઈંગ કર્યા હતા.
આ ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રીની સાથે સરકારી વાહનો પણ હતા. મુખ્યમંત્રીના કારણે વીવીઆઈપી પ્રોટોકોલ પણ જાળવવામાં આવ્યો હતો. આથી કોગ્રેસના પ્રદેશ પ્રવક્તા રૂત્વીજ જોષીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આચારસંહિતા ભંગ કર્યાની લેખિત ફરિયાદ ચૂંટણી અધિકારીને કરી છે.
સજા મોકૂફ રાખવાની અરજી હાઇકોર્ટે ફગાવી, હાર્દિક નહીં લડી શકે લોકસભા ચૂંટણી
કોગ્રેસનો આક્ષેપ છે કે, આચારસંહિતા હોવાથી મુખ્યમંત્રીએ કોમન મેન તરીકે રોડ શોમાં જોડાવાની જરૂર હતી. મુખ્યમંત્રીએ રોડ શોમાં સરકારી વાહનો, સરકારી તંત્ર અને વીવીઆઈપી પ્રોટોકોલનો ઉપયોગ કર્યો છે જે આચારસંહિતાનો ભંગ છે.
કોગ્રેસની ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, રોડ શો દરમિયનના વિડીયો ફૂટેજ તપાસીને જો આચારસંહિતાનો ભંગ થયો હશે તો મુખ્યમંત્રીને નોટિસ પાઠવવામાં આવશે.