અમદાવાદઃ ચોમાસામાં શહેરો અને ગામડાંના રોડની સાથે હાઈવે પણ ધોવાઈ ગયા છે. બનાસકાંઠાના પાલનપુરમાં અમદાવાદ-આબુ રોડ નેશનલ હાઈવે પર મોટા ખાડાં પડી જતા વાહનચાલકો જીવના જોખમે હાઈવે પરથી પસાર થાય છે. જો કે તંત્ર જાગતું નથી. છેવટે એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ NHAIના અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી ફરિયાદ દાખલ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે માઉન્ટ આબુ જવાનું આયોજન કરતા હોવ તો તમારે આ રસ્તા પરથી પસાર થવું પડશે. આ રસ્તો કોઈ અંતરિયાળ વિસ્તારનો રસ્તો નથી, પણ અમદાવાદ-આબુ રોડ નેશનલ હાઈવે છે. પાલનપુરમાંથી પસાર થતો હાઈવે અત્યારે ખાડામાં ફેરવાઈ ગયો છે. ટુ વ્હીલર હોય કે કન્ટેનર, વાહન અહીં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ચાલી નહીં શકે. કારણ તમે જ જોઈ લો.


આ પણ વાંચોઃ પૂર્ણશ મોદીએ સુપ્રીમમાં દાખલ કર્યો જવાબ, કહ્યું- નકારી દેવામાં આવે રાહુલની અરજી


આ હાઈવે પર અકસ્માતની સાથે સમયનો બગાડ થવાની અને કમરના મણકા ખસી જવાની ગેરન્ટી છે. બાઈકના ટાયર અડધો અડધ જેટલાં ખાડામાં સમાઈ જાય છે. ખાડામાં ભરાયેલા પાણી મુશ્કેલી વધારે છે, કેમ કે તેનાથી અંદાજ નથી આવી શકતો કે ખાડા ક્યાં કેટલા ઉંડા છે. ખાડામાં મોટા વાહનો પલટી જવાના કિસ્સા ઘણી વાર સામે આવ્યા છે. આ સ્થિતિમાં વાહનચાલકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. 


આ સ્થિતિ હોવા છતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાગતાં નથી, હાઈવેનું સમારકામ કરવાની જગ્યાએ એક મહિનામાં ચાર વખત હાઈવેને ડાયવર્ટ કરાયો છે, જેના કારણે આબુ કે અમદાવાદ તરફ જતાં વાહનચાલકોએ 30થી 35 કિલોમીટર ફરીને જવું પડે છે. લોકોએ સ્થાનિક વહીવટી તંત્ર, NHAI તેમજ R&B વિભાગને વારંવાર રજૂઆત કરી, તેમ છતા તંત્ર જાગતું નથી. છેવટે પાલનપુરના એક જાગૃત નાગરિકે પ્રાંત અધિકારીની કોર્ટમાં NHAI સામે CRPCની કલમ 133 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.


આ પણ વાંચોઃ ક્યારે શરૂ થશે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ? જાણો અંબાલાલ પટેલની નવી આગાહી


પ્રાંત અધિકારીનો દાવો છે કે હાઈવેના સમારકામની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જો કે સવાલ એ છે કે આ કામગીરી પૂરી ક્યારે થશે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ક્યારે લેવાશે. રાજ્ય સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ, જેથી ભવિષ્યમાં અધિકારીઓ બેફિકર બનતા પહેલાં વિચાર કરે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube