મેડીકલ શિક્ષામાં કમરતોડ ફીવધારાના મુદ્દે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી
ગુજરાત સરકારે સરકારી મેડીકલ કોલેજ ડેન્ડલ અને ફીઝિયોથેરાપીમાં 400 ટકાથી વધારેનો ફી વધારો કરીને ભાવી તબીબો સાથે ચેડા કર્યાનો આરોપ કાંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યો છે
ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત સરકારે સરકારી મેડીકલ કોલેજ ડેન્ડલ અને ફીઝિયોથેરાપીમાં 400 ટકાથી વધારેનો ફી વધારો કરીને ભાવી તબીબો સાથે ચેડા કર્યાનો આરોપ કાંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યો છે. સરકારે મેડીકલ શિક્ષણમાં કરેલા ફી વધારા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે 'ભાવી ડોક્ટરોને વ્યાજબી ભાવે શિક્ષણ ન મળે તે માટે ફી વધારો કર્યો છે.'
તેમણે વધુમાં કહ્યું કે 'મેડીકલ કોલેજમાં 418 ટકા બીડીએસમાં 500 ટકા અને ફીઝિયોથેરાપીમાં 500 ટકાનો ફી વધારો કરી સરકારે વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કર્યા છે.' તેમણે ઉમેર્યુ કે 'સરકાર પાસે હોર્ડીંગ પાછળનો ખર્ચ કરવા માટે કરોડો રૂપિયા છે પણ આરોગ્ય સેવામાંથી સરકાર પોતાની જવાબદારીમાંથી છટકતી હોય એમ તબીબી શિક્ષણમાં ફી વધારો કરવામાં આવ્યો. પ્લાનિંગ કમીશન અને સરકારના નાણામાંથી ઉભી થયેલી કોલેજમાં સરકાર ખોટા ખર્ચ પર રોક લગાડવાની જગ્યાએ વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરે એ ગંભીર બાબત છે. સરકાર કોલેજોમાં પૂરતી સવલતો આપતી નથી, સ્કોલરશીપમાં વધારો કરતી નથી અને તબીબી શિક્ષણ મોંધુ કરે એ વિદ્યાર્થીઓ માટે ફટકા રૂપ છે.' વધુમાં તેમણે ઉમેર્યુ કે કાંગ્રેસ આ મુદ્દે મેડીકલ ડેન્ટલ અને ફીઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને સાથે રાખી આંદોલન કરશે.
કોંગ્રેસે નેશનલ મેડીકલ કમીશન બિલ માટે સંવાદની કરી માંગ
સંસદમાં ટેબલ થયેલા એનએમસી બિલને લઇને દેશભરના ડોક્ટરોએ એક દિવસની પ્રતિક હડતાળ કરી જે અંગે કોંગ્રેસ કહ્યું કે નેશનલ મેડીકલ કમીશનના નામે મોદી સરકાર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાને દૂર કરીને તબીબી શિક્ષણમાં ઉલટફેર કરવા માગે છે. આ બિલ અને દેશના તમામ તબીબો અને તબીબી સંસ્થાઓ દ્વારા ભય સ્થાન રજુ કરવામાં આવ્યા છે. જો કે સરકાર દ્વારા હજુ બિલને લઇને કોઇ તજજ્ઞ સાથે સંવાદ કરવામાં આવ્યો નથી. બહુમતીના જોરે અહમમાં રાચતી સરકાર તબીબી શિક્ષણમાં સારા સુધારા કરે એ આવકાર દાયક છે પણ નેશનલ મેડીકલ કમીશન થોપી દેવાની નીતિનો કાંગ્રેસ વિરોધ કરે છે. નેશનલ મેડીકલ કમીશનથી તબીબી શિક્ષણને ભારે અસર થશે. મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં તમામ રાજ્યોનુ પ્રતિનિધિત્વ છે જ્યારે નેશનલ મેડીકલ કમીશનમાં માત્ર 5 રાજ્યોનું પ્રતિનિધિત્વ રહેશે.
વેકેશન આવકાર દાયક પણ શિક્ષણ કાર્ય પુર્ણ કરો
નવરાત્રીમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓને વેકેશન આપવા સરકારના નિર્ણયને આવકારવાની સાથે કાંગ્રેસે સરકારની ટીકા પણ કરી આ અંગે મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે 'અગાઉ પણ નવરાત્રીમાં શાળાઓમાં છૂટછાટ આપતી હતી, ત્યારે હવે સરકારે નવરાત્રીમાં વેકેશનની જાહેરાત કર્યાથી શૈક્ષણિક દિવસોમાં ઘટાડો થશે. શાળા કોલેજોમાં શિક્ષકો અધ્યાપકોની જગ્યા ખાલી છે જેના કારણે શિક્ષણ ઉપર અસર પડશે. સરકારે ગુજરાતનો શિક્ષણનો ગ્રાફ કઇ રીતે ઉંચે લઇ જવો તેના પર ભાર મુકી પુરતું શિક્ષણ કાર્ય કરવાની વ્યવસ્થા કરવી જોઇંએ.