ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે . 27 લોકો જીવતા આગમાં હોમાયા છતાં પણ સરકારના પેટમાંથી પાણી પણ હલી નથી રહ્યું. માત્ર અમુક ભષ્ટ્ર અધિકારીઓને સજા થતાં ન્યાય મળશે ખરો? ત્યારે હવે અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. કોંગ્રેસનું પીડિતોને ન્યાય અપાવવા માટે રાજકોટ બંધનું એલાન કેટલા અંશે સફળ રહ્યું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગ્નિ કાંડમાં ભોગ બનેલા પીડિત પરિવારની બહેનોએ રડતા રડતા હૈયા વરાળ ઠાલવી હતી. પીડિત પરિવારની અટકાયત થતા બહેનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમ છતાં ગુજરાત સરકાર લાજવાના બદલે ગાજી રહી છે. તેમણે કહ્યું હતું કે મારા ભાઈની અટકાયત કરી છે. અમે ન્યાય માટે લોકોને બંધ કરવા અપીલ કરી રહ્યા છીએ. રડતા રડતા અમુક બહેનોએ કહ્યું કે આવી ગુજરાત સરકાર અમારે નથી જોઈતી. અમે સરકારથી નારાજ છીએ.


  • રાજકોટ સજ્જડ બંધ, બજારો સૂમસાન

  • દર્દનાક અગ્નિકાંડને મહિનો પૂર્ણ

  • ન્યાય માટે પીડિતોના પરિવાર અને કોંગ્રેસ રસ્તા પર 

  • કોંગ્રેસના બંધના એલાનને મળ્યું સમર્થન

  • સમગ્ર રાજકોટના બજારો અને શાળાઓએ બંધ પાળ્યું


આજથી 1 મહિના પહેલા રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં આગના કારણે 27 લોકોએ જીવ ગુમાવતા માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. ત્યારે આજે આ રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ મૃત્યુ પામેલા 27 લોકોને શ્રધ્ધાંજલિ આપવા અને આ ઘટના પાછળ જવાબદાર પદાધિકારીઓ સામે પગલા લેવાની માગ સાથે કોંગ્રેસે રાજકોટ શહેરમાં બંધનું એલાન કર્યું છે.


ગુજરાત કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ રાજકોટ બંધનું એલાન મહદ અંશે સફળ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઇને શહેરના બજારો અને શાળાઓને બંધ કરાવી છે. આ બંધમાં રાજકોટના વેપારીઓએ સ્વૈચ્છીક રીતે સમર્થન આપ્યું પણ આપ્યું છે સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ જે દુકાનો ખુલ્લી હતી તેમને હાથ જોડીને બંધમાં જોડવવા અપીલ કરી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય મળે તે માગ સાથે સરકાર પર આકરા પ્રહાર કર્યા...શક્તિસિંહ ગોહિલે સરકાર પર માત્ર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને ધરપકડ કરીને મોટા માથાઓને બચાવવાનો આરોપ લગાવ્યો. 


રાજકોટના યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી બજાર, જંકશન પ્લોટ સહિત સહિતના વિસ્તારોમાં બંધને સમર્થન મળ્યું. રાજકોટની શાન ગણાતું સોની બજાર પણ બંધના સમર્થનમાં જોડાઈ છે. બંધને પગલે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો ત્યારે બીજી તરફ  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની સ્કૂલ ચાલુ હોવાથી NSUIના કાર્યકરોએ સ્કૂલને બંધ કરાવી. 


રાજકોટના કાલાવડ રોડ પર આગકાંડને પગલે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. અટકાયત કરાતા કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર સૂઈ ગયા. પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગકાંડના પીડિત પરિવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે. ભાજપના ઈશારે પોલીસ કામ કરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે.
 
અગ્નિકાંડની આગ જ્વાળાઓ હજુ પણ  સરકાર સહિત અધિકારીઓને દઝાડી રહી છે. દિવસે અને દિવસે ભષ્ટ્ર અધિકારીઓની સંપત્તિ અંગે નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. અગ્નિકાંડના 15 પાપીઓ હાલ જેલ હવાલે થઈ ગયા છે. જો કે આ તો નાની માછલીઓ છે પણ મોટા મગરમચ્છો તો બેખૌફ થઈને બચવા માટેની ગોઠવણ કરવામાં લાગી ગયા છે. અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનું આંદોલન રંગ લગાવશે ખરૂં તે તો સમય જ બતાવશે.