કામ ન થતા કોંગ્રેસના ધારાસભ્ય અકળાયા, CMના સચિવની ઓફિસ બહાર મોરચો માંડ્યો
Gandhinagar News : વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં રોડ-રસ્તાના જોબ નંબર ના મળતા બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ધરણા પર બેઠા
ગાંધીનગર :ગુજરાત સરકારમાં પોતાના કામ થતા ન હોવાની ફરિયાદ સાથે આજે કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા. પોતાના વિસ્તારના કામ થતા ન હોવાની ફરિયાદ સાથે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ ધરણા પર બેસ્યા હતા. CMના સચિવની ઓફિસ બહાર કેટલાક કોંગી ધારાસભ્યોએ ધરણાં કર્યા હતા. ધરણામાં જશુ પટેલ સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ જોડાયા હતા.
બાયડના કોંગી ધારાસભ્ય જશુ પટેલે CMના સચિવની ઓફિસ બહાર મોરચો માંડ્યો છે. વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં રોડ-રસ્તાના જોબ નંબર ના મળતા બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ CMના સચિવની ઓફિસ ખાતે ધરણા પર બેઠા હતા. તેમણે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તા, તૂટેલા રસ્તાઓનો કોઈ ઉકેલ આવતો નથી.
રજૂઆતો કરી કરીને થાક્યા
પોતાની માંગણી વિશે જશુ પટેલે કહ્યું કે, બે વર્ષમાં કુલ મળીને રૂપિયા 20 કરોડની રકમના રોડના જોબ નંબર સરકારે ફાળવ્યા નથી. મુખ્યમંત્રી અને અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી. ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એવા સંજોગોમાં મારા મત વિસ્તારમાં કાચા રોડના જે કામ મંજૂર કર્યા છે, પણ જોબ નંબર ન ફળવતા કામ શરૂ થઈ શક્યા નથી. જોબ નંબર ન ફાળવતા કામ પણ શરૂ થઈ શક્યા નથી. જેથી સામાન્ય નાગરિકો જ પીડાઈ રહ્યાં છે. લોકોને હાલાકી પડી રહી છે જેથી જોબ નંબર મેળવવા માટે અંતે ધરણા પર બેસવું પડ્યું છે. ધારાસભ્યો તો રસ્તા મંજૂર કરાવે છે, પરંતુ ઓફિસોમાં કામ આગળ વધતુ નથી. તેથી આજે અમને આવો વિરોધ કરવાની જરૂર પડી છે.