ગાંધીનગર : વિધાનસભા ગૃહનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ સામેનાં અવિશ્વાસનાં પ્રસ્તાવને 40 ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. આ અવિશ્વાસની દરખાસ્ત પર સાત દિવસ દરમિયાન ચર્ચા થશે. કોંગ્રેસ હવે પોતાનાં 3 સસ્પેન્ડેડ ધારાસભ્યોનું સસ્પેંશન રદ્દ કરાવવા માટે હવાતીયા મારી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખીય છે કે, ગેરવર્તણુંક કરવા બદલ કોંગ્રેસનાં ધારાસભ્યો અમરીશ ડેર, પ્રતાપ દૂધાત અને બળદેવ ઠાકોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેને બચાવવા માટે કોંગ્રેસ હવે વિધાનસભા અધ્યક્ષની સામે જ અવિશ્વાસની દરખાસ્ત લઇને આવ્યું છે. વિધાનસભાનાં નિયમ 51 હેઠળ અધ્યક્ષને કાર્યવાહી માટે વિશેષાધિકાર અપાયો છે. અત્યાર સુધી 17 અધ્યક્ષો સામે અવિશ્વાસ દરખાસ્તન ગૃહમાં આવી હોવાનું સામે આવ્યું છે. પરંતુ તે મુદ્દે ક્યારે પણ ચર્ચા થઇ નથી.


નિયમ 103 અનુસાર નોટિસ આપ્યાનાં મહત્તમ 14 દિવસ પછીનાં સાત દિવસમાં અવિશ્વાસનાં પ્રસ્તાવને ગૃહમાં રજુ કરવો પડે છે. અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ થયાનાં એક અઠવાડીયાની અંદર તેને ચર્ચા માટે લાવવામાં આવે છે. કોંગ્રેસી ધારાસભ્યોનું સસ્પેન્શન પાછુ ખેંચવા માટે કોંગ્રેસ મરણીયા પ્રયાસો કરી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે અધ્યક્ષ પણ નિયમોથી બંધાયેલા છે તેઓ નિયમ બહાર જઇને નિર્ણય ન કરી શકે.