Lok Sabha Elections 2024: બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર આક્રમકતા સાથે પ્રચાર કરી રહ્યા છે. ગેનીબહેન પોતાની સભા દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કરતા નજરે પડ્યા છે. ત્યારે આજે પણ ગેનીબહેન ઠાકોરે ભાજપને પડકાર ફેંક્યો છે. ભાજપ જે એન્ગલથી ચૂંટણી લડવા માંગે તે એન્ગલથી હું ચૂંટણી લડવા તૈયાર છું. રિઝલ્ટના દિવસે ભાજપનો બધો ફાંકો નિકળી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે બંનેએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભાજપે ડો. રેખાબેન ચૌધરી, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેર મંચમાંથી ભાજપને પડકાર ફેંક્યો છે. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જે એન્ગલથી ચૂંટણી લડવા માંગે છે, એ એન્ગલથી હું ચૂંટણી લડવા તૈયાર છું. જો તમારે એટલો મોટો ફાંકો હોય તો tit ફોર tat જેવા સાથે તેવા. આ સાથે જ ગેનીબેન ઠાકોરના તેવર દિવસેને દિવસે વધુ આક્રમક થઈ રહ્યા છે.


ગેનીબેન ઠાકોરે ગઈકાલે (ગુરુવાર) દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, 'ચૈત્ર મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય. તમે સૌ આસ્થા સાથે જોડાયેલા છો, ત્યારે માતાજીના આશીર્વાદ મળે અને તમે સૌ આગળ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના. માતાજી આપ સૌનું કલ્યાણ કરે અને તમારા સૌના અને ભૂવાજીના મને આશીર્વાદ મળે, હું ભૂવાજીને વિનંતી કરું પ્રાર્થના કરજો અને ધૂણતાં-ધૂણતાં ઘરના ભૂવા હોય ને તો નારિયેળ ઘર સામે નાંખે.'


ગેનીબેન ઠાકોરનું પોલીસ પર વધુ એક નિવેદન
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસ પર વધુ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો હતો. ગેનીબેને જણાવ્યું કે સણાવીયા ગામના વ્યક્તિ પર 2 વર્ષ પહેલા કેસ થયો હતો અને હમણાં એક અઠવાડિયા પહેલા ધરપકડ કરી તો કેમ 2 વર્ષ સુધી પકડવાનો વારો ન આવ્યો પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે. પોલીસ રોફ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. હજુ તો ગુલાબભાઈ અને ઠાકરસિંહ ભાઈનો વારો આવશે અને હું તો કહું છું બધા વતી મારો જ વારો લાવો તો ચૂંટણી લોકો જ લડે. લોકશાહીના અધિકારનું ગળું દબાવાય છે.


આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહિ હોય: ગેનીબેન
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગઢ ગામે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા ભાજપવાળા દરેક સીટ ઉપર 5 લાખની લીડની વાત કરતા હતા અને ભાષણ કરતા હતા. જેમ ઉમેદવારો નક્કી થયા બાદ અમારે  બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ ચેન્જ થઈ છે, આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહિ હોય. હવે તેમને જીતવું કાઠું લાગતા બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર વિશ્વાસ નથી. જેથી તેવો પાટણ લોકસભાના વડગામના મતદારો કેન્સલ કરી પાલનપુરમાં લાવી રહ્યા છે અને રાધનપુરના ભાભરમાં લાવી રહ્યા છે.


એકબાજુ જનશક્તિ છે અને બીજી બાજુ ધન શક્તિ છે: ગેનીબેન
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, જો બહારથી મતદારો લાવવા પડતા હોય તો ભાજપના 5 લાખની લીડના દાવા પોકળ છે. એકબાજુ જનશક્તિ છે અને બીજી બાજુ ધન શક્તિ છે. જો ધનશક્તિથી લોકશાહી ખરીદાતી હોય તો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બન્ને ભેગા થઈને 542 સીટો ખરીદી નાંખે. તેમણે જણાવ્યું હતું કે મારે લોકસભાની ચૂંટણી લડવી ન હતી પણ મને કિરીટ પટેલે કહ્યું કે તમારે પાર્ટી સંઘર્ષમાં છે એવા સમયે ચૂંટણી લડવી પડે. મેં કહ્યું કે મારી પાસે ડિપોઝીટ ભરવાના પણ પૈસા નથી તો કહ્યું કે વાંધો નહિ અમે બેઠા છીએ. એ બેઠા છે કે નહીં એ મને ખબર નથી પણ લોકો મારી પાસે પૈસાનો ખર્ચ કરાવતા નથી.


પાટીદાર સમાજના યુવાનો ઉપર ખોટા કેસ કર્યા છે: ગેનીબેન
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા સમાજના અનેક દીકરાઓ પણ જેલમાં છે. અહીં પણ પાટીદાર સમાજના યુવાનો ઉપર ખોટા કેસ કર્યા છે. અમે ચંદનજી ઠાકોર અને કિરીટભાઈ જે સમાજના દીકરાઓ ઉપર ખોટા કેસ કર્યા છે તેની સામે રજુઆત કરીશું ગઢ ખાતે સભામાં પાટણના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર , પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.