કાલે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, ગુજરાતના ઉમેદવારો પર લાગશે મહોર
Gujarat Election: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને રાજકીય પાર્ટીઓ ચૂંટણી પંચ ક્યારે તારીખોની જાહેરાત કરશે તેની રાહ જોઈ રહી છે. આ વચ્ચે બુધવારે દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક મળશે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. આ મહિનાના અંત કે નવેમ્બરની શરૂઆતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. રાજ્યમાં આશરે ત્રણ દાયકાથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ વચ્ચે દિલ્હીમાં બુધવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.
ઉમેદવારોના નામ પર લાગી શકે છે મહોર
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. તો 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી ગુજરાતમાં 70થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી છે. આ વચ્ચે ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. આ બેઠક બુધવારે સાંજે 4 કલાકે મળશે. જેમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગી શકે છે. આ બેઠક કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળવાની છે.
આ પણ વાંચોઃ દિવાળીના તહેવાર પર ડ્રગ્સની હેરાફેરી કરતા 4 શખ્સો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા
આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિત ગુજરાતના અન્ય કોંગ્રેસ નેતાઓ હાજર રહેશે. નોંધનીય છે કે બુધવાર 26 ઓક્ટોબરે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે પદભાર ગ્રહણ કરવાના છે. ત્યારબાદ તેમની અધ્યક્ષતામાં પ્રથમ બેઠકમાં ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોને લઈને ચર્ચા થશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube