ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: એક બાજુ અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરાવવા અને દાંડી કૂચને પ્રસ્થાન કરાવવા માટે પીએમ મોદી આજે અમદાવાદની મુલકાતે હતા. કાર્યક્રમ પૂરો થતા જ કોંગ્રેસની પણ એક દાંડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે ટ્રેક્ટરને પણ સામેલ કરાયા હતા. જો કે પોલીસ દ્વારા આ દાંડી કૂચને મંજૂરી આપવામાં આવી નહતી. આમ છતાં કોંગ્રેસ પોતાની આ દાંડી કૂચ માટે મક્કમ હતી અને 2 વાગ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર કાર્યકરો અને નેતાઓનો જમાવડો થવા લાગ્યો. મંજૂરી વગર કોંગ્રેસે દાંડી યાત્રા કાઢવાનો પ્રયત્ન કરતા કાર્યકરો અને નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન એક કાર્યકરની તબિયત પણ લથડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિત અનેકની અટકાયત
મંજૂરી ન મળી  હોવા છતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દાંડી કૂચ કાઢવા માટે મક્કમ હતા. કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી દાંડી કૂચ થવાની હતી. જો કે દાંડી કૂચ કાઢવાના પ્રયત્નોના પગલે કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જૂન મોઢવડિયા, સિદ્ધાર્થ પટેલ, પૂંજાભાઈ વંશ, મનિષ દોશી, રુત્વિક મકવાણા, રાજેશ ગોહેલ, જશુભાઈ પટેલ, ઈમરાન ખેડાવાલાની અટકાયત કરવામાં આવી. 


કાર્યકરની તબિયત લથડી
પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવાના કારણે એક કોંગ્રેસ કાર્યકરની તબિયત લથડી છે. કાર્યકર બેભાન થઈ ગયા છે. કાર્યકરને સારવાર માટેની તજવીજ હાથ ધરાઈ છે. 



નજરકેદ કરાયા હતા નેતાઓ
અત્રે જણાવવાનું કે કોંગ્રેસ આજના દિવસે દાંડી કૂચ કાઢવા માટે મક્કમ હતી જેના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી. યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ હતી. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ હતી. 


દર વખતે દાંડી કૂચના દિવસે કોંગ્રેસ દ્વારા આ રીતે દાંડીકૂચ કાઢવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે આઝાદીના અમૃત મહોત્સવના કારણે મંજૂરી અપાઈ નહતી. આ વખતે કોંગ્રેસે દાંડીકૂચની સાથે સાથે ખેડૂતોનો મુદ્દો ઉઠાવીને ટ્રેક્ટરોને પણ સામેલ કર્યા હતા. 


અમિત ચાવડાએ રાજ્યપાલને લખ્યો હતો પત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો હતો. કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતા પત્ર લખ્યો. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. તેમના જણાવ્યાં મુજબ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે તે આવકાર્ય છે. પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પોતાના વડવાઓએ કરેલા સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજુરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી.


(ઈનપુટ- બ્રિજેશ દોશી, ગૌરવ પટેલ, આશ્કા જાની)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube