કોંગ્રેસના સુરત ગઢના કાંગરા ધીરે ધીરે ખરવા લાગ્યા છે. કોંગ્રેસનું સુરત રાજકારણમાં ચર્ચાતુ એવું નામ ધીરુ ગજેરાએ આખરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. લાંબા સમયથી કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ એવા ધીરુભાઈ ગજેરાએ રાજીનામુ આપતા લાંબા સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, અગાઉના સમયમાં હું કોંગ્રેસ પક્ષ તરફથી અનેક ચૂંટણીઓ લડી ચૂક્યો છું. આજે હું કોંગ્રેસ પદના સભ્ય પદથી તથા તમામ હોદ્દેદારો પદેથી રાજીનામુ આપું છું. આ ઉપરાંત મારી સાથે જે પણ આગેવાનો જોડાયા હતા, તે તમામ સાથીદારો પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી રહ્યાં છે. ધીરુભાઈ ગજેરા સુરત કોંગ્રેસના રાજકારણમાં મોટુ માથું ગણાય છે. તેઓ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. કોંગ્રેસમાંથી તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. તેઓ ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ હતા. 


લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે, પાટીદાર નેતા ધીરુ ગજેરા પણ કોંગ્રેસથી છેડો ફાડી શકે છે. ધીરુ ગજેરાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી BJP વિરોધી તમામ પોલિટિકલ પોસ્ટને હટાવી દીધી છે. તેથી ભાજપમાં જવાની સંભાવના પ્રબળ બની રહી છે. 2017મા તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં. 


કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન
તો બીજી તરફ, ધીરુ ગજેરાના રાજીનામાના થોડા સમય બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ધીરુ ગજેરાનું હાલ રાજીનામું મળ્યું નથી. મીડિયાના માધ્યમથી માહિતી મળી. કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને હમેશા સન્માન આપવામાં આવ્યું છે. તેઓ પોતાના અંગત કારણથી રાજીનામુ આપી રહ્યા હશે. રાજીનામુ આવશે ત્યારે અમે વાત કરીશું. તેમને કોઈ તકલીફ હોય તો પક્ષમાં રજૂઆત કરી શકે છે. પક્ષના મોવડીઓને મળીને રજુઆત પણ કરી શકે છે.