યુથ કોંગ્રેસ ગુજરાત દ્વારા બે-રોજગારી મુદ્દે કરવામાં આવશે આંદોલન
યુથ કોંગ્રેસ ગુજરાત દ્વારા ૨૫ ઓગસ્ટથી ૧૫ ઓક્ટબર સુધી બે રોજગારી મુદ્દે આંદોલન કરવામાં આવશે. રોજગાર મારો અધિકાર સ્લોગન હેઠળ ગુજરાતમાં આંદોલન કરશે. રાજ્યની તમામ વિધાનસભા અને તાલુકા જિલ્લા સ્તરે બે રોજગારોની નોંધણી અને જિલ્લા મથકોએ આંદોલન બાદ અમદાવાદ અથવા તો ગાંધીનગર ખાતે બે રોજગારોની મહારેલી યોજવામાં આવશે.
ગૌરવ પટેલ/ અમદાવાદ: યુથ કોંગ્રેસ ગુજરાત દ્વારા ૨૫ ઓગસ્ટથી ૧૫ ઓક્ટબર સુધી બે રોજગારી મુદ્દે આંદોલન કરવામાં આવશે. રોજગાર મારો અધિકાર સ્લોગન હેઠળ ગુજરાતમાં આંદોલન કરશે. રાજ્યની તમામ વિધાનસભા અને તાલુકા જિલ્લા સ્તરે બે રોજગારોની નોંધણી અને જિલ્લા મથકોએ આંદોલન બાદ અમદાવાદ અથવા તો ગાંધીનગર ખાતે બે રોજગારોની મહારેલી યોજવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં વકરી રહેલી રોજગારીની સમસ્યાને લઇને સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે યુવા ભારત દેશમાં ભાજપાની નિતિના કારણે બે રોજગાર સળગતો પ્રશ્ન છે. ભાજપની નિતિના લીધે શિક્ષણ મોંઘું બન્યું અને શિક્ષણ બાદ પણ રોજગાર ન મળતા યુવાનોને નિરાશા સોપડી છે. કરોડો રૂપિયાના એંધાણથી અનેક વાઇબ્રન્ટ સમિટ થયા છતાં ગુજરાતમાં બે રોજગારોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં નોંધાયેલા અને ન નોંધાયેલા ૪૦ લાખ બે રોજગાર યુવાનો છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે ૨ કરોડ નોકરી ઉભી કરવાનું વચન આપ્યું હતું જે આજે સાડા ચાર વર્ષે પણ પૂર્ણ થયું નથી.
ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા રોજગારી આપવાના પોકળ વાયદા કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચુંટણી અગાઉ થયેલી ભરતી બાદ કોઇ ભરતી કરવામાં આવી નથી. કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી જ કહી રહ્યા છે કે દેશમાં નોકરીની તકો નથી. જે ભાજાપની બેવડી નિતિને ખુલ્લી પાડે છે. આજથી બેરોજગાર યુવાનોની નોંધણી શરૂ કરાશે અને નોંધણી બાદ કાર્યક્રમો આપવામાં આવશે. જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે.
ગુજરાતમાં ગામે ગામ બેરોજગાર યુવાનોની નોંધણી કરવામાં આવશે. ગુજરાત યુથ કાંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે ગુજરાતના યુવાનોને રોજગારી આપો અને રોજગારી ના આપો તો જીવન નિર્વાહ માટે ભથ્થું આપો.
ગુજરાત કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આક્ષેપનો રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલિપ ઠાકોરે જવાબ આપ્યો તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વર્ષોથી વાહિયાત આક્ષેપો જ કરે છે વિધાનસભની ચૂંટણી પહેલા પણ યુવાનોને ભડકાવાના પ્રયાસો કર્યા હતા. જેમાં કોંગ્રેસ નિષ્ફળ ગઇ રોજગારીમાં ગુજરાત સમગ્ર દેશમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને 89% રોજગારી આપી ભારતમાં પ્રથમ રહ્યું છે. રાજ્ય 80% મહિલા ઓને પણ રોજગારી આપવામાં પ્રથમ રહ્યુ ચાલુ વર્ષે પણ જુલાઈ સુંધી માં સૌથી વધુ રોજગારી આપવાનું કામ સરકારે કર્યું છે.રોજગાર કચેરી માં લાઈવ રજીસ્ટર નોંધણીમાં જુલાઈ 2018 સુધીમાં 5 લાખ 11 હજાર નોંધાયેલ છે.
છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર બે રોજગાર યુવાનો યાદ આવ્યા છે. જેને લઇને કોંગ્રેસે જન આંદોલન કરવાની તૈયારી કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોંગ્રેસ ત્રીજીવાર બે રોજગારોની નોંધણી કરશે. શંકરસિંહ વાઘેલા વિરોધપક્ષના નેતા હતા ત્યારે બે રોજગારોને લઇને યુવા આર્મી બનાવી હતી. જેનો કોઇ અર્થ સર્યો નહી ચુંટણી પહેલાં બે રોજગારી ભથ્થુ આપવાના વચન હેઠળ કોંગ્રેસ દ્વારા બે રોજગારોની નોંધણી થઇ પણ પાર્ટી સત્તામાં ન આવી અને વચન પાલન કરવાનો સવાલજ ઉભો ન થયો. હવે ગુજરાત પ્રદેશ યુથ કાંગ્રેસ રોજગાર મારો અધિકાર સ્લોગન હેઠળ ગુજરાતમાં આંદોલન કરશે.