`ભરોસાની ભાજપ સરકાર`ના સૂત્ર સામે કોંગ્રેસે આપ્યું નવું સૂત્ર, `ભરોસાની ભેંસે તો પાડો જણ્યો...`
ચુંટણી નજીક આવતા જ કોંગ્રેસે હવે પોતાનું અસલી આક્રમક સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. ભાજપના કેમ્પેઇન ભરોસાની ભાજપ સરકાર સામે કોંગ્રેસે વળતો હુમલો કર્યો છે.
અમરેલી: વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરેપુરી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે મિશન 2022ના પ્રચાર માટે કોંગ્રેસ વધુ આક્રમક બની ગઈ છે. ભાજપના ચૂંટણી સૂત્રને જવાબ આપવા કોંગ્રેસે પણ પોતાનું સૂત્ર તૈયાર કરી દીધું છે. ભરોસાની ભાજપ સરકાર સામે કોંગ્રેસે ભરોસાની ભેંસે તો પાડો જણ્યો સૂત્ર તૈયાર કર્યું છે.
ચુંટણી નજીક આવતા જ કોંગ્રેસે હવે પોતાનું અસલી આક્રમક સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. ભાજપના કેમ્પેઇન ભરોસાની ભાજપ સરકાર સામે કોંગ્રેસે વળતો હુમલો કર્યો છે. આજે વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા ભરોસાની ભેંસે તો પાડો જણ્યો પાન ગુજરાત કેમ્પેઇન લોંચ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા હવે આ કેમ્પેઇન ચલાવવામાં આવશે.
વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ ભાજપના ચુંટણી પ્રચારને સીધી રીતે પડકાર્યો છે. અમરેલી જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રા ફરી રહી છે, તેવા સમયે જ કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. મોટા નેતાઓની ગેરહાજરીમાં જ નવું સૂત્ર લોન્ચ કરાતા તમામને નવાઈ લાગી હતી. પરેશ ધાનાણીએ નવા સૂત્રને કોંગ્રેસનું કેમ્પેઈન ગણાવ્યું હતું.
મહત્વનું છે કે, પરેશ ધાનાણીએ નવા સૂત્રને કોંગ્રેસનું કેમ્પેઈન ગણાવતા હવે સવાલો ઉભો થઈ રહ્યો છે કે, જો કોંગ્રેસનું નવું કેમ્પેઈન હતું તો મોટા નેતા કેમ ગેરહાજર?