ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની વચનોની લ્હાણી: AAP બાદ ગુજરાત કોંગ્રેસે તૈયાર કર્યું વચન પત્ર
ગુજરાત કોંગ્રેસે પણ હવે આમ આદમી પાર્ટીની જેમ વચનોની લ્હાણી શરુ કરી દીધી છે. કોંગ્રેસ મહત્વપૂર્ણ જાહેરાતનું એક વંચન પત્ર તૈયાર કર્યું છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસે પણ હવે આમ આદમી પાર્ટીની જેમ વચનોની લ્હાણી શરુ કરી દીધી છે. કોંગ્રેસ મહત્વપૂર્ણ જાહેરાતનું એક વંચન પત્ર તૈયાર કર્યું છે.
કોંગ્રેસ ઘરે ઘરે જઈને વંચન પત્રનું કરશે વિતરણ
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વંચન પત્ર આપશે. રાહુલ ગાંધીએ કરેલી આઠ જાહેરાતનું વંચન પત્ર તૈયાર કરાયું છે. કોંગ્રેસ એક કરોડથી દોઢ કરોડ વંચન પત્રો આપશે. વંચન પત્ર માટે કોંગ્રેસ પક્ષે એક નંબર જાહેર કર્યો છે. 8108125125 મિસ્સકોલ કરી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. કોંગ્રેસ એક કરોડ ઘરમાં પરિવાર દિઠ એક વંચન પત્ર અપાશે. આગામી ૨૪,૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ ઘર ઘર સુધી જશે. આદિવાસીઓ માટે ઇન્દિરા વંચન પત્ર તૈયાર કરાયું છે.
- દર મહિને ૩૦૦ યુનિટ સુધી વિજબીલ માફ
- મહિલાઓને કેસનો બાટલો 500 રૂપિયામાં
- 10 લાખ સુધીની મફત સારવાર
- 10 લાખ સરકાર નોકરીઓ
- 50 ટકા નોકરીઓ પર મહિલા અધિકાર
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ નાબુદ કરાશે
- બેરોજગારોવે 3 હજાર રૂપિયાનું બેરોજગાર ભથ્થું
- દૂધ ઉત્પાદકોને દરેક લીટર ઉપર ૫ રૂપિયા સબસિડી
- 3 હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો તથા
- દિકરીઓને કેજી થી પીજી સુધી ભણતર મફત
- 4 લાખ રૂપિયા કોવિડ વળતર
- ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાયદો
કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ
ગુજરાત કોંગ્રેસ 15 સપ્ટેમ્બરે ઉમેદવારીની યાદી જાહેર કરવાની હતી, પરંતુ તેમણે પ્રથમ યાદી જાહેર કરી નહોતી. કેસી વેણુગોપાલે 15 સપ્ટેમ્બરે પ્રથમ યાદી જાહેર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રથમ યાદી જાહેર કરવા મુદ્દે જગદીશ ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. જે બાયોડેટા આવ્યા છે તેમાં વિધાનસભા દિઠ કેટલા દાવેદાર છે તે અલગ કરાશે. નક્કી કરેલા તારીખ પ્રમાણે કોંગ્રેસ આગળ ચાલી રહી છે એ પ્રમાણે ઉમેદવાર જાહેર કરાશે.
AAP ફાળવેલ સ્લોટમાં ભાજપની બી ટીમ તરીકે કરી રહી છે કામ
જગદીશ ઠાકોરે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલનું રીક્ષા ચાલકના ઘરે ભોજન કરવું એક સ્ટન્ટ હતું. કોંગ્રેસે પંજાબ અને ગુજરાતમાં રીક્ષા ડ્રાઇવર સાથેના સંવાદનો વિડિઓ વાયરલ કર્યો છે. પંજાબ ચૂંટણી સમયે પણ આવી જ રીતે કેજરીવાલ રીક્ષા ડ્રાઇવરના ઘરે ભોજન માટે ગયા હતા. બંને ડ્રાઈવરો સાથેના સંવાદનો વિડિઓ વાયરલ થયો છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, AAP નક્કી કરેલ સ્લોટ પર કામ કરી રહ્યું છે. મીડિયામાં જગ્યા બનાવવાનો સુનિયોજિત પ્રયાસ કેજરીવાલ દ્વારા થઈ રહ્યો છે. ગુજરાત માં આવતી ચુટણીમાં જે નવા ફેક્ટર ઉમેરાયા છે તેનો ખુલાસો કરતા જગદીશ ઠાકોરે જણાવ્યું કે પંજાબની કચેરીઓમાંથી ગાંધીજીનો ફોટો દુર કરી ગુજરાતમાં ચુંટણી લડવા માંગે છે. મહાત્મા ગાંધીની વિચારધારા ખતમ કરાવની વિચારધારા ભાજપની છે અને એ જ વિચાર સાથે આપ ગુજરાતમાં આવી છે. બીજેપીની બી ટીમ કોગ્રેસને નુકસાન કરવા આપ ગુજરાતમાં આવી છે. જે જાહેરાત અને વચન ગુજરાતમાં આપે છે તેનો અમલ દિલ્હીમાં તો કર્યો નથી તેવો આરોપ લગાવ્યો હતો.
નિર્માણાધીન ઇમારતમાં મજુરોના મોત થવા મુદ્દે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે સાઇટ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડેડ બોડી વીએસ આવી ત્યારે ત્યાં મિડિયાને પ્રતિબંધ મુક્યો હતો. જે વિસ્તારના આ મંજૂર હતા, તેમનો કોગ્રેસે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમની લાશ લઇ જવાની વ્યવસ્થા કરી હતી. કોન્ટાકટર પર ફરિયાદ થઇ છે, પરંતુ બિલ્ડર પર ગુન્હો દાખલ થયો નથી. ભાજપની સરકાર મોટા બિલ્ડરોને બચાવવા માંગે છે. અમે જરૂર પડે પોલીસ સ્ટેશન સમક્ષ ધરણા કરીશુ.
જગદીશ ઠાકોરનું કોંગ્રેસના ધારાસભ્યો તુટવા અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ચુંટણી લડવા ઇચ્છિત ઉમેદવાર પાસેથી લેખીત બાંહેધરી કે એફીડેવીટ ન લઇ શકાય. દેશની રાજનીતિ અને લોકશાહીને ભાજપ ખતમ કરી રહી છે. મોદીના આવ્યા બાદ ખરીદ વેચાણની શરૂઆત દેશમાં થઇ છે. કોંગ્રેસના આજે ૬૪ ધારાસભ્યો અકબંધ છે. તેમની પાસેથી કોઇ લેખીત બાંહેધરી કે એફીડેવીટ ન હોય. ભાજપની ધાક ધમકીની રાજનીતિ છે. રીક્ષા વાળાથી લઇ નેતાઓ સુધી આવું ચાલુ છે. મંડપ વાળાને બિલ ન ચુકવવા માટે ધમકી આપે છે. લોકશાહી વ્યવસ્થાને આજે ભાજપે ખતમ કરી નાંખી છે.
ગાંધીનગરમાં ચાલી રહેલ આંદોલન મુદ્દે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, તમામ સંગઠનોને સરકાર પર વિશ્વાસ ઉઠી ગયો છે. સરકારી સંગઠનોએ નક્કી કરી લીધું છે કે હવે સરકાર સાથે ચર્ચા કરવી નથી. તમામ આંદોલનકારીઓએને સરકાર દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીનગરમાં છુપાછુપીનો ખેલ ચાલી રહ્યો છે, કોઈ જ અહેવાલ પણ આપતા નથી. બોર્ડર સાચવતા જવાનો, ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે, પરંતુ અમે સંગઠનો સાથે સંપર્કમાં છીએ. 2022માં નવી સરકાર આ તમામ સંગઠનો બનાવશે, અને તમામ મુદાઓ પર વચન આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube