ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી? પ્રંચડ હારના કારણોનો રિપોર્ટ તૈયાર, જગદીશ ઠાકોર હાઈકમાન્ડને સોંપશે રિપોર્ટ
હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે અત્યાર સુધી રાજ્યમાં આટલુ ખરાબ પ્રદર્શન ક્યારેય કર્યુ ન હતું. એક સમયે સૌથી વધુ વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ તોડનાર કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઈ ગઈ છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સમીક્ષા કરી છે. આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસે પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણોનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર હાઈ કમાન્ડને આ રિપોર્ટ સોંપશે.
કોંગ્રેસની હારના અનેક કારણો
ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો કોંગ્રેસમાં ખેલ ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસે આખરે હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર આ હારનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપશે. તમને જણાવી કે વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમિક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે બેઠક થઇ હતી. જેમાં કોંગ્રેસની હારના અનેક કારણો સામે આવ્યા છે. કોંગ્રેસના હારના કારણોમાં નબળુ સંગઠન અને બુથ સ્તરનું મીસમેનેજમેન્ટ, સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ, ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા, ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય જેવા પ્રાથમિક કારણોનો એક રિપોર્ટ બનાવ્યો છે.
2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દમ પર કોંગ્રેસે 77 બેઠકો હાંસિલ કરી હતી. જેમાંની 95 ટકા બેઠકો 2022 ની ચૂંટણીમાં ગુમાવવી પડી છે. આખરે આવુ કેવી રીતે થયું, મતદારોનો મિજાજ કેમ બદલાયો, આખરે કેમ કોંગ્રેસના મતદારો ભાજપ તરફ વળ્યા, તે વિશે કોંગ્રેસે મંથન કર્યું. સૌરાષ્ટ્રમાં થયેલ હાર અંગે ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૌરાષ્ટ્રના હારેલા ઉમેદવારો સાથે બેઠક કરી હતી. તેમજ હાર અંગે કોંગ્રેસના ઉમેદવારોએ કારણો રજુ કર્યા હતા.
હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ છે.
કોંગ્રેસના હારના કારણો
- નબળુ સંગઠન અને બુથ સ્તરનુ મીસમેનેજમેન્ટ
- સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ
- ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન
- ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા
- ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય
- પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ ઉમેદવારોને ઓછો સમય મળ્યો
- ભાજપ રૂપિયાના રેલમછેલથી ચૂંટણી લડયું
- વહીવટી તંત્ર પાર્ટીનાં વ્યક્તિ તરીકે લડી રહ્યું હતું
- ભાજપે જ્યાં મત ઓછા મળ્યાં તે વિસ્તારોને ટાર્ગેટ કર્યાં
બેઠક બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં અસામાજિક તત્વોનો ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કરાયો હતો. ઇવીએમમાં કયા વિસ્તારમાં કોને કેટલા મત મળ્યા એ ખબર પડી જાય છે. ઇવીએમની મર્યાદાના કારણે ભાજપ જ્યાં ઓછા મત મળે એમને ટાર્ગેટ કરે છે. મતદારોએ ડરના માર્યા ભાજપને મત આપ્યો હતો. ત્યારે કોંગ્રેસ જનતા વચ્ચે જઇ લડાઈ લડશે. જ્યાં ભાજપને મત મળતા નથી, ત્યાં ભાજપના અસામાજિક તત્વો, વહીવટી તંત્ર, ભાજપના હોદેદ્દારો સામ-દામ દંડ ભેદથી વોટ લાવે છે. મતદાનની ગુપ્તતા જળવાતી નથી. ડરના માર્યે લોકોને ભાજપને વોટ આપવો પડે છે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.