વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવામાં રાજ્ય સરકાર નિષ્ફળઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તથા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ગુરૂવારથી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.
અમદાવાદઃ ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આવતીકાલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. બંને નેતાઓ પૂરથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મળી તેમની સમસ્યાઓ સાંભળશે. રાજ્યની સરકાર વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને પહોચી વળવામાં નિષ્ફ્ળ રહી હોવાનો આક્ષેપ કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. તેમણે માંગણી કરી કે સરકાર અસરગ્રસ્તોને તાત્કાલિક કેસડોલ અને ઘરવખરીની સહાય આપે. ખેતી અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે જીવ ગુમાવનાર પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવા આવે તેવી માંગણી કોંગ્રેસે કરી છે.
કોંગ્રેસની માંગ છે કે, રોડ રસ્તા અને વીજ પુરવઠો પૂર્વવત કરવા ત્વરિત પગલાં લેવામાં આવે. વધુમાં અમિત ચાવડાએ ઉમેર્યુ કે, કોંગ્રેસના તાલુકાના કાર્યકરો અને ધારાસભ્યો લોકોના સતત સંપર્કમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને લઈને કોંગ્રેસે કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. સુરત, રાજકોટ અને અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે તથા કોંગ્રેસના કાર્યકરો અસરગ્રસ્તો સુધી પહોંચીને મદદ કરી રહ્યા છે. કંટ્રોલ રૂમ ખાતે સેવાદળની ટીમો સ્ટેન્ડ ટુ રખાવામાં આવી છે.