માતાપિતાની કબરની બાજુમાં સુપુર્દ-એ-ખાક થયા અહમદ પટેલ
- માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને સુપુર્દ-એ-ખાક કરાયા.
- કબ્રસ્તાનની બહાર નમાઝ પઢવામાં આવી હતી.
- રાહુલ ગાંધીએ અહેમદ પટેલને કાંધ આપી
ઝી મીડિયા/બ્યૂરો :વતન પીરામણ ગામના સુન્ની વહોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાનમાં માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને સુપુર્દ-એ-ખાક કરાયા હતા. અહમદ પટેલના નિધનથી ગુજરાત અને કોંગ્રેસના નેતાઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમનો પાર્થિવ દેહ આવતા જ પીરામણ ગામમાં ગમગીન માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ વિદાયમાં જોડાયા હતા. અહમદ પટેલના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લાવીને 10 મિનીટ માટે ઘરમાં અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. પીપીઈ કીટ પહેરીને તેમનો પાર્થિવ દેહ ઘરમાં લાવવામાં આવ્યો હતો. જેના બાદ તરત તેમની અંતિમયાત્રા નીકળી હતી અને તેઓને કબ્રસ્તાન તરફ લઈ જવાયા હતા. જ્યાં સૌથી પહેલા નમાઝ પઢવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અહેમદ પટેલને કાંધ આપી હતી, તો સોનિયા ગાંધીએ તેમના માટે પુષ્પ મોકલ્યા હતા. રાહુલ ગાંધી પણ પગપાળા કબ્રસ્તાન સુધી જઈને દિગ્ગજ નેતાની અંતિમ સફરમાં જોડાયા હતા. રાજીવ સાતવ, હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાની સહિતના અનેક નેતાઓ પગપાળા તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝે ગમગીની હૃદયે પિતાને વિદાય આપી હતી. તો સાથે જ અશ્રુભીની આંખે કોંગ્રેસના નેતાઓએ તેમને વિદાય આપી હતી.
આ પણ વાંચો : આજથી અમદાવાદમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ થશે, તમે પણ નોંધાવી શકો છો તમારું નામ
એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા અહમદ પટેલના પાર્થિવ દેહને ગઈકાલે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જેના બાદ એમ્બ્યુલન્સ દ્વારા એરપોર્ટથી અંકલેશ્વર લઈ જવામાં આવ્યો હતો. એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિત કાર્યકરો હોદ્દેદારોએ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તો અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં અહમદ પટેલના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો.