જયરાજસિંહ પછી કોંગ્રેસના પ્રવક્તા અને મુસ્લિમ અગ્રણી નેતાએ પણ આપ્યું રાજીનામું
એક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા રહી ચૂકેલા બદરૂદ્દીન શેખે વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા નારાજ થઈને રાજીનામું આપવાની જાહેરાત કરી.
મૌલિક ધામેચા/ અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટીમાં આજકાલ રાજીનામાનો અને પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણીની મોસમ આવતાની સાથે જ પાર્ટીમાં નારાજ નેતાઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જયરાજ સિંહ પરમારના રાજીનામા પછી હવે કોંગ્રેસના પ્રવક્તા અને મુસ્લિમ અગ્રણી એવા બદરૂદ્દીન શેખે પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા બદરૂદ્દીન શેખ નારાજ થયા છે. તેમની સાથે જ પાર્ટીમાં વિવિધ હોદ્દા ધરાવતા અન્ય 15 જેટલા મુસ્લિમ નેતાઓએ પણ બદરૂદ્દીનના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. બદરૂદ્દીન શેખને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ મોટી જવાબદારી સોંપી હતી. બદરૂદ્દીન શેખ એક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદે પણ રહી ચૂક્યા છે.
આ અંગે બદરૂર્દીન શેખનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું કે, "દરેક વ્યક્તિ સંગઠનમાં પોત-પોતાના માણસો ગોઠવવા માગતા હોય છે. તેમણે પણ પ્રયાસ કર્યા હશે અને અમે પણ પ્રયાસ કર્યા છે. અમારો કોઈ ચોક્કસ એક વ્યક્તિ માટે આગ્રહ ન હતો. અમારો આગ્રહ એટલો જ હતો કે જે લોકો છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીનું કામ કરી રહ્યા છે તેમને ન્યાય મળવો જોઈએ. હાઈ કમાન્ડે મારી વાત ન સ્વીકારી તેનું મને દુખ છે."
બદરૂદ્દીન શેખની સાથે જ પાર્ટીમાં વિવિધ હોદ્દા પર પહેલા 15 જેટલા લોકોએ પણ રાજીનામું આપી દીધું છે. બદરૂદ્દીન શેખનો આરોપ છે કે, પાર્ટીની આજે એવી સ્થિતિ નથી કે તે નવા જોખમ લઈ શકે. તેમ છતાં હાઈકમાન્ડ દ્વારા આ નિર્ણય કેવી રીતે લેવાયો તે સમજાતું નથી.
જુઓ LIVE TV....