પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામુ
અબડાસા બેઠક પર તેઓને ટિકિટ મળશે તેવી આશા હતી, પરંતુ ડો.શાંતિલાલ સેંગાણીની ઉમેદવાર તરીકે પસંદગી થતા તેઓની નારાજગી ખૂલીને સામે આવી છે
ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસ અને જૂથવાદ એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. જ્યારે પણ કોઈ ચૂંટણીમાં એક ઉમેદવારની પસંદગી થાય તો બાકીના નારાજ થતા હોય છે. જેના કારણે અનેક નેતાઓ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ જ કારણ છે કે, કોંગ્રેસ (congress) ને અનેક ચૂંટણીમાં હારનો સામનો કરવો પડતો હોય છે. ગઈકાલે કોંગ્રેસે અબડાસાની પેટાચૂંટણી (byelection) માટે ઉમેદવાર તરીકે ડો.શાંતિલાલ સેંગાણીના નામની જાહેરાત કરી છે. ત્યારે નારાજ થયેલા કોંગ્રેસના કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવી (kailash gadhvi) એ રાજીનામુ આપ્યું છે. અબડાસા (abdasa) ના કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ કૈલાસ ગઢવીને ટિકિટ આપવાની માંગ કરી હતી. ત્યારે કૈલાસ ગઢવીને ટિકિટ ન મળતાં તેઓએ પક્ષમાંથી અને પાર્ટીની અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું છે.
આ પણ વાંચો : સાત મહિનાના લોકડાઉન બાદ આજે ગુજરાત આવશે અમિત શાહ
પક્ષમાં વફાદારોની કદર થતી નથી
જિલ્લા પંચાયતના કેટલાક વર્તમાન અને પૂર્વ ચુંટાયેલા સદસ્યો કૈલાસ ગઢવીના સમર્થકો છે. તેઓએ કૈલાસ કઢવીને ટિકિટ આપવા માટે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે વાત કરી હતી. 2017ની ચૂંટણીમાં પણ કૈલાસ ગઢવીની પક્ષ દ્વારા અવગણના થઇ હતી, અને ફરી એકવાર પેટાચૂંટણીમાં પણ અવગણના થતાં તેઓએ પક્ષને રાજીનામું આપ્યું છે. કચ્છ બેઠક પર ઉમેદવારની પસંદગી બાદ કોંગ્રેસ પ્રવક્તા કૈલાસ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. કૈલાસ ગઢવી ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ગુજરાતના પૂર્વ પ્રમુખ હતા. અબડાસા બેઠક પર તેઓને ટિકિટ મળશે તેવી આશા હતી, પરંતુ ડો.શાંતિલાલ સેંગાણીની ઉમેદવાર તરીકે પસંદગી થતા તેઓની નારાજગી ખૂલીને સામે આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને ટિકિટ આપતાં કૈલાસ ગઢવી નારાજ થયા. સાથે જ તેઓએ કહ્યુ કે, પક્ષમાં વફાદારોની કદર ન થતી હોવાનું લાગતાં મેં રાજીનામું આપ્યું છે.
આ પણ વાંચો : લીંબડી બેઠક માટે ભાજપ-કોંગ્રેસમાં ‘પહેલે આપ, પહેલે આપ’ જેવી સ્થિતિ, હજી કોકડું ગૂંચવાયેલું
તમામ જવાબદારીઓમાંથી રાજીનામુ
રાજીનામુ આપતા કૈલાસ ગઢવીએ કહ્યુ કે, હું ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ (પ્રમુખ ગુજરાત) તથા પાર્ટીની અન્ય જવાબદારીમાઁથી રાજીનામુ આપી રહ્યો છું. જે રીતે પાર્ટીમાં વફાદાર અને ઈમાનદાર લોકોની અવહેલના થઈ રહી છે તે દુખદ છે. પાર્ટીના ઉમેદવારના વિરોધમાં હુ છેલ્લા બે ઈલ્કેશનમાં કામ કરનારી વ્યક્તિને પાર્ટી ટિકિટ આપે છે અને ઈમાનદારીથી પાર્ટી માટે કામ કરનારા લોકોની અવહેલના થાય છે. હું પાર્ટીની તમામ જવાબદારીમાંથી રાજીનામુ આપું છુ.
કોંગ્રેસ દ્વારા હજી 5 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે, હજી ત્રણ બેઠકના નામ જાહેર કરવાના બાકી છે. તે પહેલા જ રાજીનામાનો દોર શરૂ થયો છે. આજ સાંજ સુધી બાકીના ત્રણ બેઠક માટે પણ ઉમેદવારોની જાહેરાત થશે.