અમદાવાદ: કોંગ્રેસના નારાજ નેતા કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.  કુંવરજી બાવળિયાએ સ્પિકર રાજેંદ્ર ત્રિવેદી નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું હતું. બાવળિયાના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસે વધુ દિગ્ગજ ચહેરો ગુમાવ્યો દીધો છે. આજે જ ભાજપમાં જોડાઇ શકે છે. કુંવરજી બાવળિયાને કેબિનેટમાં સમાવેશ કરાશે. આજે જ બપોર બાદ 4 વાગે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા તેમનો મંત્રી મંડળમાં સમાવવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવેલા સિનિયર આગેવાન કુંવરજી બાવળિયાને ભાજપ લોકસભા ચૂંટણી લડાવે અથવા તો બોર્ડ નિગમમાં ચેરમેન પદની ભેટ આપી શકે છે. કુંવરજી બાવળીયા હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંવરજી બાવળીયાએ કેમ આપ્યું રાજીનામું ? ભાજપે કેમ આવકાર્યા? આ છે કારણ!

રાજીનામું આપ્યા પછી તે ભાજપ કાર્યાલયમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે નીતિન પટેલ,જીતુ વાઘાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી. તે સમયે પત્રકારોએ તેમને ઘેરી વળ્યા હતા અને નિવેદન આપવા માટે જણાવ્યું હતું. ત્યારે ભાજપના પ્રદેશ નેતા હર્ષદ પટેલે તેમને નિવેદન આપતા અટકાવ્યા હતા. કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા નહોતા તે પહેલાં જે તેમને આ રીતે અટકાવવામાં આવતા તેમને કડવો અનુભવ થયો હતો. ઉલ્લેખનીય છેકે જસદણના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાએ પાર્ટી સાથે નારાજગીને લઈને આખરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસમાં કુંવરજી બાવળિયાની સતત અવગણના કરવામાં આવી રહી હતી. કુંવરજી અને કોંગ્રેસ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો. જોકે ભાજપમાં જોડાયા બાદ તેમનો સરકારમાં સમાવેશ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત અઠવાડિયે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કુંવરજી બાવળિયા તેમને મળવા માટે અમદાવાદ આવ્યા ન હતા. જેમાં તેઓ પ્રદેશના નેતાઓથી નારાજ હોવાનું જણાવ્યું તેવા અહેવાલ પ્રાપ્ત થયા હતા.

રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમી રહ્યા છે: કુંવરજી બાવળિયા


સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સૌરાષ્ટ્રના કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાઈ શકે છે. આજે 11 વાગે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાએ પોતાના સમર્થકો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. 


રાજકીય વર્તુળમાં ચર્ચાઓ ચાલી રહી છે કે કુંવરજી બાવળિયા હાલ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. કુંવરજી બાવળિયા જસદણના ધારાસભ્ય છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક છે. કુંવરજી બાવળિયા કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. જો ભાજપમાં કુંવરજી બાવળિયા જોડાય તો ભાજપને કોળી સમાજના મતનો ઘણો ફાયદો થઇ શકે છે.


મળતી માહિતી મુજબ બાવળિયાને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સુરેન્દ્રનગરની બેઠક પરથી પ્રમોટ કરી શકે છે. તો સાથે જ ભાજપ પોતાના જ બે કોળી દિગ્ગજ નેતાઓ પર લગામ લાવવાનું મન બનાવી રહી છે. કુંવરજી બાવળિયાને પક્ષમાં મહત્વનું સ્થાન આપી ભાજપ એક કાંકરે બે પક્ષી મારવાની ચાલ પણ અપનાવી શકે છે.

પ્રાપ્ત તાજા સમાચાર અનુસાર કુંવરજી બાવળીયા કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચી ગયા છે. જ્યાં તેઓ પત્રકાર પરિષદ યોજશે અને જણાવશે કે શા માટે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. કમલમ ખાતે કુંવરજી બાવળિયાને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કુંવરજી બાવળિયા વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. કુંવરજી બાવળિયા સહિત કોંગ્રેસના 120 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. પત્રકાર પરિષદને સંબોધતા જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના સમર્થકો અને કુંવરજી બાવળિયાને ભાજપમાં જોડાતાં આવકાર્યા હતા.