કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, ‘અમારા 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે!’
Rajkot News : કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝાએ કહ્યુ કે, આજે ભાજપમાં 70 ટકા કોંગ્રેસની વિચારધારા ધરાવતા ધારાસભ્યો છે
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ આજે કોંગ્રેસની ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં ફિયાસ્કો થયો હતો. કિસનપરા ચોકથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં ગણ્યા ગાઠ્યા જ કાર્યકરો ઉપસ્થિત રહેલા દેખાયા હતા. ત્યારે આ તિરંગા યાત્રામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાએ મોટી વાત કહી હતી. તેમણે કહ્યુ કે, કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ છે.
કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાએ નિવેદન આપતા જણાવ્યુ કે, ભાજપનો એજન્ડા કોંગ્રેસે નબળો કરવાનો છે. ગુજરાતની જનતાએ હંમેશાથી કોંગ્રેસને સાથ આપ્યો છે. તેથી જ 2017 માં કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સીટ આવી હતી. આજે ભાજપમાં 70 ટકા કોંગ્રેસની વિચારધારા ધરાવતા ધારાસભ્યો છે. હું ભાજપમાં જતા કોંગ્રેસના ધારાસભ્યોને સમજાવવાના પ્રયાસ કરીશ, પણ રૂપિયા હશે તો ભાજપ પાસે જ જવું પડશે. એક સમય એવો હતો, જ્યારે ભાજપની માત્ર 2 સીટ હતી, ત્યારે ગૌવંશના મુદ્દાને લઈને 300 સીટ સુધી પહોંચ્યા હતા. પરંતુ આજે લમ્પી વાયરસમાં ગાયની સારવાર કરવાને બદલે અમારા ધારાસભ્યો પર ભાજપ નજર નાંખી રહી છે. તેઓ હવે ગાય તરફ નજર નથી કરતા, પરંતુ અમારા ધારાસભ્યો પર ભાજપની નજર છે. હાલ કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ છે. અમારા લોકો ત્યા જઈ રહ્યાં છે. ભાજપ બોલશે નહિ, કે સત્તાના જોરથી ધારાસભ્યો ખરીદ્યા છે. પરંતુ એક દિવસે જનતા એવો ઝટકો આપશે કે કેટલાક પાછા આવશે.
આ પણ વાંચો : દરિયાથી 2500 ફૂટ ઊંચે આવેલા ગુજરાતના આ પહાડ પર ઉજવાશે ‘મોન્સુન ફેસ્ટિવલ’
રામકિશન ઓઝાએ આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યો. રામ કિશન ઓઝાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના બે નંબરના રૂપિયા ક્યાંથી આવે છે તે અમને ખબર નથી. રૂપિયા ક્યાંથી આવે છે તે બાબતે તપાસમાં મીડિયા અમારી મદદ કરે. આપ પાસે કોઈ વિચારધારા જ નથી. આમ આદમી પાર્ટીએ અન્ના હજારેની પાછળ ઉભા રહીને દુકાન શરૂ કરી હતી.