હવે ઈન બીન ને તીન: કોંગ્રેસનો `શક્તિ` પણ ફેલ, ભાજપના બુલડોઝર નીચે કચ્ચરઘાણ નીકળશે
Lok Sabha Election 2024: બિછડે સભી બારી-બારી…હવે ઈન બીન ને તીન બચ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પાંદડાંની જેમ ખરતા કેમ જાય છે? આ પંક્તિ કોંગ્રેસની આજની હકીકત બયાન કરે છે. રાહુલ ગાંધીએ મોટા ભરોસા સાથે શક્તિસિંહ ગોહિલના હાથમાં કમાન સોંપી હતી પણ શક્તિસિંહનો એક પગ દિલ્હીમાં તો બીજો પગ ગુજરાતમાં હોય છે. જેઓ લાયઝનિંગના માણસ છે એ સાબિત થઈ ગયું છે.
Lok Sabha candidate: શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં નવું જોમ આવશે એવી હવા ચાલી હતી પણ હાલમાં કોંગ્રેસનું ધીરેધીરે બાળમરણ થઈ રહ્યું છે. ગણ્યાગાંઠ્યા ધારાસભ્યો વધ્યા છે એમાંથી પણ કેટલાક લાઈનમાં બેઠા છે. એ વાત એટલી જ સાચી છે કે, શક્તિસિંહ ગોહિલ સંગઠન બનાવવામાં ફેલ ગયા છે. 26માંથી 26 બેઠકો 5 લાખના મતથી જીતવાના સપનાં જોતી ભાજપના બુલડોઝર નીચે કોંગ્રેસનું કચ્ચરઘાણ નીકળશે. હાલમાં કોંગ્રેસ પાસે મજબૂત 26 લોકસભાના ઉમેદવાર નથી અને સરકાર અને સંગઠનમાં પક્કડ ધરાવતી ભાજપને હરાવવાના સપનાં જોઈ રહ્યાં છે.
કોંગ્રેસના ઉમેદવારોની ભૂંડી હાર ન થાય એ માટે શક્તિસિંહ ગોહિલે પ્રયાસો કરવાની જરૂર છે કારણ કે ના હાલમાં સંગઠનના ઠેકાણા છે કે ના પાર્ટીના.. અમિત ચાવડા વરઘોડો લઈને નીકળી તો પડે છે પણ પાછળ જાનમાં જાનૈયા જ હોતા નથી. ચાવડા હજુ ઝંડો પકડીને આગળ દોડી રહ્યાં છે પણ તેઓ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને જીતની બાજી હારી ચૂક્યા છે. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યાને મહિનાઓ થયા પણ કોંગ્રેસમાં જે પ્રાણ ફૂંકવા માટે સ્ટ્રેટેજી બનવી જોઈએ અને જે માહોલ બનવો જોઈએ તેમાં શક્તિસિંહ સફળ રહ્યાં ન હોવાનું ચિત્ર બહાર આવી રહ્યું છે. જેનું મુખ્ય કારણ દિલ્હી પ્રેમ પણ છે. હવે સવાલ એ પણ છે કે અહેમદ પટેલ સાથે રણનીતિ ઘડનાર શક્તિસિંહ ગુજરાતમાં કેમ ગયા ફેલ...
ગોહિલ કોંગ્રેસને ફરી સજીવન ન કરી શક્યા
શક્તિસિંહ ગોહિલ એ રાહુલ ગાંધીના ખાસ અંગત વ્યક્તિઓમાં એક છે. જેઓ હંમેશાં દિલ્હીના રાજકારણમાં જ રચ્યાપચ્યા રહે છે. શક્તિસિંહ ગોહિલના હાથમાં જશની રેખા જ નથી. એમના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસની હાલત જૈસે થે જેવી છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપ પ્લાનિંગ પર પ્લાનિંગ ગોઠવી રહી છે જ્યારે કોંગ્રેસ પાસે સંગઠનના ઠેકાણા નથી. કોગ્રેસના નેતાઓ વંડી ઠેકી ભાજપમાં જોડાવાની લીલીઝંડીની રાહ જોઈ રહ્યાં છે. સારું ભાષણ આપી શકતા શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસને ફરી સજીવન કરવામાં ગુજરાતમાં ફેલ ગયા છે જેનું ફળ કોંગ્રેસે લોકસભામાં ભોગવવું પડશે.
સીજે ચાવડા તો 12મીએ ભાજપમાં જોડાઈ જશે પણ એવી ચર્ચા છે કે અર્જૂન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું સમય પર અટક્યું છે. મોઢવાડિયા ભલે હાલમાં ના ના કરી રહ્યાં છે પણ મોઢવાડિયાના લાઈઝનિંગની ચર્ચા સૌ કોઈ કરે છે. કોંગ્રેસ ગુજરાતમાં મરણ પથારીએ હોવાનું કારણ પણ કેટલાક નેતાઓ છે. જે ભાજપ સાથેના ગઠબંધનમાં પોતાના ઉલ્લું સીધા કરી રહ્યાં હોવાની ચર્ચા ગુજરાતના રાજકારણમાં આમ છે. 2 દિવસ પહેલાં જ ગુજરાત લોકસભાના ઉમેદવારો ફાયનલ કરવા માટે એક સ્ક્રિનીંગ કમિટીની બેઠક યોજાઈ ગઈ પણ સૌ જાણે છે કે એકના એક નામો ફરી રીપિટ થશે અને ગુજરાત ભાજપને વધુ એક ઉજ્જવળ તક મળી જશે.
શક્તિસિંહ બોરિયાં બિસ્તરા ઉઠાવી દિલ્હી જતા રહેશે...
ગુજરાતમાં સંગઠનના ઠેકાણા નથી ત્યાં ભાજપના તોતિંગ સંગઠન સામે કેવી રીતે લડશે એ સૌથી મોટો સવાલ છે. શક્તિસિંહ ગોહિલ જિલ્લા અને તાલુકા લેવલનું સંગઠન ગોઠવવામાં નિષ્ફળ ગયા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કોંગ્રેસની હાઈટેક ઓફિસો ન હોવા જેવી શરમજનક બાબત બીજી કંઈ હોઈ શકે. એક સમયે ગુજરાતમાં દબદબો ધરાવતી કોંગ્રેસ પાસે હાલમાં નાક બચાવવાનો સવાલ છે. સૌ જાણે છે કે શક્તિસિંહ ગોહિલ તો લોકસભામાં હાર બાદ બોરિયા બિસ્તરા ઉઠાવીને દિલ્હી ભેગા થઈ જશે. એમની પાસે 2026 સુધી રાજ્યસભાના સાંસદનું પદ છે એ પણ સમ ખાવા પૂરતું. ગુજરાતમાં રાજ્યસભામાં માત્ર એક સીટ બચી છે એ પણ જતી રહેશે. અમિત ચાવડા સહિતના નેતાઓ ભલે ભાજપ સામે ધમપછાડા કરે પણ એ સારી રીતે જાણે છે કે એમનાથી કંઈ ઉકળવાનું નથી. કોંગ્રેસ હાલમાં ડૂબતી નૈયા છે જેનો ભાર હાલમાં શક્તિસિંહ ગોહિલ જેવા ખલાસીના ખભે છે.
ભાજપનું છે તોતિંગ પ્લાન....
દર વખતની જેમ ભાજપમાં માઈક્રો પ્લાનિંગ (micro planning) ચાલી રહ્યું છે. પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ વગેરે ભાજપના માઇક્રો પ્લાનિંગના ખાસ ઘટકો છે. કાર્યકરોની ફોજ એ મતદાર સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા ગોઠવાય છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી છે. આવી જ રીતે આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા માઈક્રો પ્લાનિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ સુધી પોતાના કાર્યકરોની ફોજ તૈયાર કરી દીધી છે.
ભાજપ દ્વારા પેજ પ્રમુખની વ્યવસ્થા, સોસાયટીના પ્રમુખો, મંડળો સહિત નાના મોટા એસોસિયેશનના આધારે મતદાન વધારવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ચૂંટણીમાં પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડલ સુધીની વ્યવસ્થા કરી ભાજપ તરફી મતદાનની ટકાવારી વધારવાનું પ્લાનિંગ કરે છે. ભાજપે લોકસભા માટે પણ સીટ દીઠ જવાબદારીઓ સોંપી દીધી છે. એના માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં ભાજપમાં દોઢ કરોડ પ્રાથમિક સભ્યો, 60 લાખ સભ્યો, 15 લાખ પેજ પ્રમુખ અને 1.5 લાખ સક્રિય સભ્યો છે. સરકાર અને સંગઠનના જબરદસ્ત પાવર વચ્ચે કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ જશે.
ભાજપની હેટ્રીક રોકવાનો પ્રયાસ...
ગુજરાત કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યાં છે. હાલમાં જ પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા સીજે ચાવડા સહિતના કેટલાક નેતાઓ પાર્ટીને બાય બાય કહી ચૂક્યા છે, હવે સંગઠન માળખાના નેતાઓ પણ પાર્ટી છોડવા માટે લાઇનમાં લાગ્યા છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતની 26માંથી 26 બેઠક બીજેપી પાસે છે. એવામાં કોંગ્રેસ પોતાનું પ્રદર્શન સુધારવા વધુ મહેનત કરી રહી છે. જેઓ ભાજપની હેટ્રીક રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે પણ સમય જ બતાવશે કે શક્તિસિંહનું પ્લાનિંગ કેટલું સફળ રહે છે.
પક્ષની અંદર ફંડની જબરદસ્ત શોર્ટેજ...
કોંગ્રેસના ટોચના નેતાઓ જ્યાં સુધી કાર્યકરોને ભાવનાથી તેમની સાથે નહીં જોડી શકે ત્યાં સુધી કોંગ્રેસ આમ જ વિખેરાતી રહેશે. ને ક્યાંક એવી પણ ફરિયાદ છે કે હાઇ કમાન્ડ નીચેના નેતાઓ અને કાર્યકરોને સાંભળતી નથી. એ પણ કોંગ્રેસ તૂટવાનું એક મોટું કારણ છે. પક્ષની અંદર ફંડની જબરદસ્ત શોર્ટેજ છે. ઉપરથી પૈસા આવી રહ્યા નથી. પૈસા વિના ચૂંટણી લડવી કેવી રીતે? બૂથ લેવલના દરેક કાર્યકરને ચૂંટણીના દિવસે ખિસ્સાનાં ખર્ચવા પડે છે. કારણ કે ચૂંટણીફંડ છેક સુધી પહોંચતું જ નથી. સામે ભાજપ પાસે ફંડની કોઈ કમી જ નથી.
ભારતમાં ચૂંટણી લડવા માટે માતબર ચૂંટણી ભંડોળ જરૂરી છે. કોંગ્રેસ ફંડની કમીથી ગ્રસ્ત હોવાથી એક પછી એક ધારાસભ્યો વિદાય લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં ના કારણો પણ ઘણા છે. છેલ્લા 30 વર્ષથી સત્તામાં પરત ફરવાના સપનાં જોતી કોંગ્રેસની સતત ભૂંડી હાર થઈ છે. નેતાઓની ઉંમર થતી જાય છે અને આગામી એક દાયકા સુધી ભાજપ સત્તામાંથી જાય તેવું કોઈ ચિત્ર ન હોવાથી કોંગ્રેસના નેતાઓ ભવિષ્યને ધ્યાને લઈને વંડી ઠેકી રહ્યાં છે.