ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ 3 દિવસ ગુજરાતમાં રાફેલના મુદ્દે કરશે પ્રેસ વાર્તા
રાજ્યમાં ૪૦૦૦ કરોડનું મગફળી કૌભાંડ થયું જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાએ મજબૂતાઇથી લડાઇ આપી અને આવનારા સમયમાં આક્રમકતાથી લડવામાં આવશે.
ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પેથાપુર ખાતે યોજાનારી બે દિવસીય પંચાયતની રાજની તાલીમ શિબિરમાં ભાગ લેવા ગુજરાત પહોંચ્યા છે. તેમણે કહ્યું કે પંચાયતી રાજ શિબિરમાં પસંદ કરાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવશે. રાજીવ ગાંધી પંચાયતી રાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મીનાક્ષી નટરાજન પ્રિતિનિધિઓને તાલીમ આપશે. ગુજરાતમાં જ્યારે કેન્દ્રી નેતાઓ રફેલ મુદ્દે કોન્ફરન્સ કરવાના છે ત્યારે રાજીવ સાતવે કહ્યું કે દિલ્હી હોય કે ગુજરાત હોય દરેક સ્થળે કૌભાંડની સરકાર ચાલે છે.
રાફેલનું કૌભાંડ થયું છે ના કેબીનેટનું એપ્રુવલ હતું કે ના કેબીનેટ સમિતિઓનું સીક્યુરીટીનું એપ્રુવલ હતું. પરંતુ પ્રધાનમંત્રી ફ્રાન્સ જઇને ૩૬ રાફેલ વિમાનનો સોદો નક્કી કરે છે, ત્યારે દેશના સંરક્ષણ મંત્રી ગોવાના બજારમાં માછલીઓ ખરીદી રહ્યા હતા. કોઇને પણ પુછ્યા વગર કરેલી આ ડીલથી દેશના ખજાનાને હજારો કરોડનું નુકસાન થયું છે. જે રાફેલ વિમાન કોંગ્રેસના સમયમાં ૬૦૦ કરોડની આસપાસની કિંમતનું હતું એ આ સરકારે ૧૬૦૦ કરોડમાં ખરીદ્યું છે.
ગુજરાતના મગફળીકાંડ અંગે સાતવે કહ્યું કે જે રીતે રાજ્યમાં ૪૦૦૦ કરોડનું મગફળી કૌભાંડ થયું જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાએ મજબૂતાઇથી લડાઇ આપી અને આવનારા સમયમાં આક્રમકતાથી લડવામાં આવશે. ગુજરાતમાં ખેડુતોની દેવા માફી અને પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવાના મુદ્દે ઉપવાસ પર ઊતરેલા હાર્દીક અંગે સાતવે કહ્યું કે જે સમાજની જે માંગ છે તેની પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. રાજ્યની અને દેશની સરકારની એ નિતિ છે કે કોઇની વાત ન સાંભળવી માત્ર બે લોકોનો અવાજ સાંભળવામાં આવે છે.
હાર્દીકના ઘરે ધારાસભ્યોના જવા મુદ્દે સાતવે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નેતા અને કાર્યકર બધી વસ્તુઓને રાજકીય નજરથી જોતા નથી. જ્યાં કોઇને અન્યાય થયો છે જ્યાં કોઇએ પોતાની વાત રાખી છે ત્યાં અમે સાંભળવામાં અને મળવામાં વિશ્વાસ રાખીએ છીએ. ભાજપની જેમ માત્ર કેટલાક લોકોની વાત સાંભળવી અને મનની વાત કહેવામાં નથી. માનીતા કેટલાક ધારાસભ્યો અને નેતાઓ મળવા ગયા હોય તો તે લોકતંત્રની વાત છે. જ્યારે કોંગ્રેસ અંગ્રેજો સામે સરેન્ડર નથી થઇ તો અન્ય લોકો સામે સરેન્ડર થવાનો સવાલ જ નથી. અલ્પેશ ઠાકોરને બિહારના સહ પ્રભારી બનાવા અંગે સાતવે કહ્યું કે રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને બિહારની જવાબદારી સોંપી છે અને તે તેને બખુબી નિભાવશે.