ગુજરાત સરકારે દુકાનો ખોલવાની આપી છૂટ, કોંગ્રેસે સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?
રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જોકે આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપ્યું છે.
ગૌરવ પટેલ, અમદાવાદ: રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જોકે આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપ્યું છે.
મનિષ દોશીએ કહ્યું કે સરકાર વારંવાર જુદી જુદી માર્ગદર્શિકા જાહેર કરે છે. સરકારના જાહેરનામામાં સાતત્ય નથી. સવારે સરકાર એક જાહેરાત કરે અને સાંજે પરત ખેંચે છે. સરકારની જ માર્ગદર્શિકાઓમાં વિસંગતતા જોવા મળે છે. ભારત સરકારે નાના ધંધા રોજગાર શરૂ કરવાની જાહેરાતક કરી જેના પગલે ગુજરાત સરકારે પણ જાહેરાત કરી.
તેમણે કહ્યું કે નાના ધંધા રોજગાર ખુલ્લા રહે અને તેમને રોજગારી મળે તે આવકારદાયક છે. એક બાજુ સરકાર એક કહે છે કે લોકડાઉન ખોલશું તો કોરોનાના દર્દીઓ વધી જશે. બીજી બાજુ સરકાર એમ કહે છે કે અમે ધંધા રોજગાર ખોલી નાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સરકારની નીતિઓનો ભોગ જનતા બની રહી છે. સરકાર કોરોનામાં સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે.
શરતી છૂટછાટ
અત્રે જણાવવાનું કે આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે, IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 5૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.
અન્ય શું જાહેરાતો કરાઈ...
દુકાનદારોએ કોઇ પાસની જરૂર નથી. માત્ર ગુમાસ્તા ધારાનું લાઈસન્સ અને ઓળખના પુરાવા જરૂરી રહેશે
આઇટી અને આઇટી સેક્ટર સાથે જોડાયલી ઇન્ડસ્ટ્રીને કન્ટેઇનમેન્ટ એરીયાની બહાર 50 ટકા સ્ટાફ સાથે ચાલુ કરવાનો નિર્ણય કરાયો
સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીની મુદત ત્રણ માસ માટે લંબાવાઇ
એનએફએસએ કાર્ડ ધારકના સાડા ચાર લાખ લોકોએ અનાજ મેળવવાનો લાભ લીધો
સસ્તા અનાજની દુકાનનો સમય સવારના 8 થી સાંજ સુધી કરવામાં આવ્યો
શોપ એન્ડ એસ્ટાબ્લીસ મેન્ટ એક્ટ હેઠળ આવતી દુકાનો શરૂ કરવામાં આવશે
સ્ટેશનરી દુકાનો, કારીયાણા, મોબાઈલ રિચાર્જની દુકાનો, પંચરની દુકાનો, ઇલેક્ટ્રીકની દુકાનોને છૂટ અપાશે.
એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે.
શુ નહિ ખોલી શકાય
મોલ અને માર્કેટીંગ કોમ્પલેક્ષને હજુ શરૂ કરવામાં આવશે નહિ
પાન મસાલાની દુકાનો શરુ કરવાની નથી
આઈસ્ક્રીમની દુકાનો અને હોટેલો વિશે નિર્ણય હજુ થયો નથી. ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે
પબ્લિક ટ્રાન્સપોર્ટને હજુ મંજુરી અપાઇ નથી
રીક્ષાને પણ મંજુરી નથી
પગરખા દુકાનો નહીં ખુલે
પાનના ગલ્લાનો નિર્ણય હજી કરાયો નથી. સલૂન પણ નહિ ખોલી શકાય. .
નાસ્તા-ફરસાણની દુકાનો પણ નહિ ખૂલે. ઠંડા પીણાંની દુકાનો નહીં ખોલી શકાય.