ભાજપ સરકારના પગ તળે જમીન જતી દેખાઈ રહી છે... મોંઘવારી ભથ્થાની સરકારની જાહેરાત પર કોંગ્રેસનો કટાક્ષ
Congress On Dearness Allowance : ગુજરાત સરકાર દ્વારા આજે સરકારી કર્મચારીઓને કરાયેલી મોંઘવારી જથ્થાની જાહેરાત પર જગદીશ ઠાકોરે કહ્યું કે, જેમ ચૂંટણી આવશે અને મતોનો ડર લાગશે તેમ નિર્ણયો લેવાશે
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં અનેક સ્થળોએ આજે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં પણ ધ્વજવંદન કરાયું. કોંગ્રેસ ઓફિસ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજ ફરકાવી સલામી આપી હતી. ત્યારે તેમણે ધ્વજવંદન બાદ ભાજપ સરકાર પર નિશાન તાક્યુ હતું. ગુજરાત સરકાર દ્વારા આજે સરકારી કર્મચારીઓને કરાયેલી મોંઘવારી જથ્થાની જાહેરાત પર જગદીશ ઠાકોરે કહ્યું કે, જેમ ચૂંટણી આવશે અને મતોનો ડર લાગશે તેમ નિર્ણયો લેવાશે. ભાજપ સરકારના પગ તળે જમીન જતી દેખાઈ રહી છે. જે નિર્ણયો 5-10 વર્ષ પહેલાં લેવાના હતા એ હવે ચૂંટણી સમયે લેવાઈ રહ્યા છે. સત્તા જવાનો ડર સરકારને નિર્ણય લેવડાવી રહી છે.
તો ગુજરાત કોગ્રેસ પ્રમુખે પોલીસ ગ્રેડ પે મામલે કરાયેલી જાહેરાત અંગે પર સરકાર પર આકરા પ્રહારો કર્યા. પોલીસ કર્મીઓ માટે જાહેર થયેલ ભંડોળ અંગે જગદીશ ઠાકોરે કહ્યુ કે, આ શ્રેય પોલીસ પરિવારે કરેલા આંદોલનના ફાળે જાય છે. સચિવાલયમાં ઉપવાસ પર બેઠેલ પોલીસ કોન્સટેબલ અને સિવિલનાં મોત સામે ઝઝુમતી દીકરીના ફાળે જાય છે. સરકારે મોડે મોડે નિર્ણય કર્યો તેનો આભાર. બાકીની રાહત આપવાની પણ સરકારને ફરજ પડશે. સચિવાલયની કર્મચારી હડતાલ પર જઇ રહ્યાં છે તલાટી અને આરોગ્ય કર્મચારી હડતાળ પર છે. જે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તેને કોંગ્રેસ બળ અને તાકાત આપશે.
આ પણ વાંચો : ઝીણાને ગુજરાતના એક રાજાએ પોતાની હદમાં પગ મૂકવા ન દીધો, કહ્યું-ચાલ્યા જાવ અહીંથી નહિ તો...
તો આ સાથે જ તેમણે સ્વતંત્રતા દિવસ પર કહ્યુ કે, તિરંગો અનેક શહીદોની શહાદતથી મળ્યો છે. તિરંગો આજે દેશની મહાસત્તા બન્યો છે. દેશ અને દુનિયામાં વિચારોની લડાઇ એક તરફ નફરત અને બીજી તરફ પ્યારની વિચારધારા છે. એકઠા કરાવવાવાળા અને સાથે રાખવાવાળાની ભાવનાને વધાવીએ. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર પટેલ, જવાહરલાલ નેહરૂ, સુભાષ બાબુ સહિતના દેશવાસીઓને એકત્ર કર્યા. અંગ્રેજોને દેશમાંથી ખધેડ્યા. કાલાપાનીની સજા ભોગવતા વીરોને આશા હતી કે અંગ્રેજો દેશમાંથી જશે. આઝાદીના દિવસે જે લોકો તિરંગાને સ્વીકારતા ન હતા તે વિચારધારાને આજે 75 વર્ષે તિરંગો યોગ્ય લાગ્યો છે. આ તિરંગાની તાકાત છે. કોંગ્રેસ દેશની રગરગમાં છે, માનવતાની વિચારધારામાં છે. દેશના બંધારણને ખતમ કરવાની વિધારધારા બજારમાં ફરે છે. અંગ્રેજો ડરાવતા હતા, બહાર નિકળશો તો ગોળીઓ ખાશો અને લોકોએ હસતા મોઢે ગોળી ખાધી. જેલમાં પુરવાની ધમકી આપતા તો જેલો ભરાઈ જતી હતી. એ એક લડાઇ હતી, આજે બંધારણ અને તેના હિતોને બચાવવાની લડાઇ છે. તે પણ કોગ્રેસ સુપેરે લડશે. ગુજરાતમાં અને દિલ્હીમાં પણ લડાઇ લડશે.