નવી દિલ્હી: કેરલમાં ભારે વરસાદના પગલે આવેલી કુદરતી આફતમાં રાહત અને બચાવ કાર્ય માટે વિદેશી મદદ નહીં લેવાના કેન્દ્ર સરકારના ફેસલા પર કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપની કેન્દ્ર સરકાર વિદેશમાંથી મળનારી મદદ લેવાનો ઈન્કાર કરી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે દુનિયાભરમાંથી મદદ લેવામાં આવી હતી, તો પછી કેરલની આફત માટે મદદ કેમ લેવાઈ રહી નથી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ થાઈલેન્ડના રાજદૂતે ટ્વિટ કરીને કહ્યું કે 'અમને અનૌપચારિક રીતે જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર કેરળ પૂર રાહત માટે કોઈ વિદેશી સહાયતા લઈ રહી નથી..' આ અગાઉ થાઈલેન્ડે પૂર પીડિતો માટે મદદની રજુઆત કરી હતી. થાઈલેન્ડ ઉપરાંત યુએઈએ 700 કરોડ રૂપિયાની સહાયતાની રજુઆત કરી હતી. જ્યારે માલદીવે લગભગ 35 લાખ રૂપિયા આપવાની રજુઆત કરી હતી.



વિધ્નો નાખવાનો આરોપ
મોઢવાડિયાએ કહ્યું કે 'આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપની કેન્દ્ર સરકારે થાઈલેન્ડની સરકારની માનવીય મદદ લેવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે 2001માં ગુજરાત ભૂકંપ સમયે દુનિયાભરના લોકોને કચ્છમાં આવીને રાહત અને બચાવ કાર્ય કરવાની મંજૂરી અપાઈ હતી. તો પછી મોદી સરકાર કેરલ પૂર રાહતમાં વિધ્નો કેમ નાખી રહી છે?'



આ અગાઉ સૂત્રોના હવાલે ખબર આવી હતી કે ભારત સરકારે એવો ફેંસલો લીધો છે કે કેરલ પૂર રાહત માટે વિદેશી મદદ લેવામાં આવશે નહીં અને દેશના આંતરિક સાધનોથી જ રાહત અને બચાવ કાર્ય અભિયાનને પૂરું કરવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે જીનેવા સ્થિત સયુંક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં કેરલ પૂર રાહત માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. 


આ બેઠકમાં ચર્ચા થઈ કે આંતરરાષ્ટ્રીય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર અને રેડક્રોસ કઈ રીતે આ આફતમાં મદદ કરી શકે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ભારત સરકાર આ સંગઠનોની સહાયતા લેશે કે નહીં.