અમદાવાદ જિલ્લા ભાજપામાં ઉકળતો ચરૂ, કોંગ્રેસના બળવાખોરોને મલાઇદાર પદ, ભાજપાના સભ્યોને ઠેંગો
`ઘરના ઘંટની ચાટે અને પાડોશીને આટો` આ ગુજરાતી કહેવતને અમદાવાદ જિલ્લા ભાજપા સંગઠન અને અમદાવાદ જિલ્લા પંચાચત દ્વારા સાર્થક કરવામાં આવી છે. સોમવારના રોજ અમદાવાદ જિલ્લા પંચાયતની ચાર પાંચ સમિતિઓના ચેરમેનની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં મલાઇદાર કોરાબારી સમિતિના ચેરમેન તરીકે અમદાવાદ જિલ્લા પંચાયતના કાંગ્રેસના બળવાખોર સભ્ય મનુજી ઠાકોરની નિમણૂંક કરવામાં આવી હતી તો બીજી તરફ કોંગ્રેસના અન્ય એક બળવાખોર સભ્ય જગદીશ મેણીયાને પણ જાહેર આરોગ્ય સમિતિનું ચેરમેન પદ મળ્યું છે.
ગૌરવ પટેલ/ અમદાવાદ : 'ઘરના ઘંટની ચાટે અને પાડોશીને આટો' આ ગુજરાતી કહેવતને અમદાવાદ જિલ્લા ભાજપા સંગઠન અને અમદાવાદ જિલ્લા પંચાચત દ્વારા સાર્થક કરવામાં આવી છે. સોમવારના રોજ અમદાવાદ જિલ્લા પંચાયતની ચાર પાંચ સમિતિઓના ચેરમેનની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં મલાઇદાર કોરાબારી સમિતિના ચેરમેન તરીકે અમદાવાદ જિલ્લા પંચાયતના કાંગ્રેસના બળવાખોર સભ્ય મનુજી ઠાકોરની નિમણૂંક કરવામાં આવી હતી તો બીજી તરફ કોંગ્રેસના અન્ય એક બળવાખોર સભ્ય જગદીશ મેણીયાને પણ જાહેર આરોગ્ય સમિતિનું ચેરમેન પદ મળ્યું છે.
કોંગ્રેસના બળવાખોર સભ્યોને મલાઇદાર પદ આપવા અંગે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોમાં અસંતોષ વર્તાઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સૌથી સિનિયર સભ્ય અને સીંગરવા બેઠક પરથી ચૂંટાઇ આવેલા જવાનજીએ નિમણૂંકો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંગઠન દ્વારા તેમને જિલ્લા પંચાયતના ત્રણ મહત્વના પદ પૈકી એક પદ આપવાની બાંહેધરી આપી હતી. જોકે તેમને એકપણ પદ ન મળતાં હાલ નારાજગી પ્રવર્તી રહી છે. તેમના કહેવા પ્રમાણે ભાજપાના ચૂંટાયેલા અન્ય સભ્યો પણ નારાજ ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં નવાજુની થાય તો નવાઇ નહી.
જોકે નારાજગી અને બળવાની શક્યતાને અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ આર સી પટેલ નકારી રહ્યા છે. આર સી પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યો દૂધમાં સાકર ભળે એમ ભાજપામાં ભળી ગયા છે અને સર્વ સંમતિથી ચેરમેનની વરણી થઇ છે. તો નવા વરાયેલા કારોબારીના ચેરમેન મનુજી ઠાકોરે પણ કહ્યું હતું કે તેમના ચેરમેન પદને લઇને ભાજપામાં કોઇ નારાજગી નથી. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે પાર્ટીમાં નારાજગીનો કોઇ પ્રશ્ન નથી સક્ષમ નેતાઓને ચેરમેન બનાવાયા છે.
બાકીની સમિતિઓના ચેરમેનની વાત કરવામાં આવેતો સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પદે રાધા બેન સેનવા, શિક્ષણ સમિતિના ચેરમેન પદે કિરીટસિંહ ડાભી અને બાંધકામ સમિતિના ચેરમેન પદે અન્નપુર્ણાબા ચુડાસમાની વરણી કરવામાં આવી હતી.
વર્ષ 2015માં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત હતી જોકે પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં નવી વરણીમાં કોંગ્રેસના સાત સભ્યોએ બળવો કરી ભાજપાને ટેકો જાહે કર્યો હતો અને જિલ્લા પંચાયત ભાજપાની બની છે. હવે સમિતિઓના ચેરમેનની વરણી થઇ ચુકી છે અને ભાજપામાં જવાનજીના રૂપમાં નારાજગીનો ચરૂ ઉકળવા લાગ્યો છે. ત્યારે અઢી વર્ષની બાકીની ટર્મમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતનું શાસન સાચવી શકે છે કે કોઇ ફેર બદલ થશે તે તો આગામી સમય જ નક્કી કરશે.