લો બોલો! કોંગ્રેસે કહ્યું ભાજપના ભ્રષ્ટાચાર પર નિબંધ લખો, અમે આપીશું 51000, 21000 અને 11000ના ઈનામો
Essay on Corruption: ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજી કરતા રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષની લડાઈ ચાલતી રહે છે. પણ આ લડાઈ પબ્લક માટે નથી હોતી, આ લડાઈ હોય છે પાવર માટે...! યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...આવા માહોલની વચ્ચે કોંગ્રેસની એક જાહેરાતે બનાવ્યો છે નવો માહોલ...જાણો..
- ભ્રષ્ટાચારનો નિબંધ લખો ને રૂપિયા જીતો!
- NSUI દ્વારા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આ નવતર પ્રયોગ
- સુશાસન અંગે કોંગ્રેસે મંગાવ્યા લોકોના વિચાર
- ભાજપ-કોંગ્રેસની સેવા નહીં સત્તા માટેની લડાઈ!
Essay on Corruption: ભ્રષ્ટાચારનો નિબંધ લખો ને રૂપિયા જીતો! ખાતુ હોય એવા ખાતા પર નિબંધ લખવાનો...કોંગ્રેસે કરી છે ભ્રષ્ટાચાર પર નિબંધ સ્પર્ધા યોજવાની જાહેરાત. કોંગ્રેસે કહ્યું છેકે, ભાજપના ભ્રષ્ટાચાર પર નિબંધ લખીને અમને મોકલી આપો. સારો નિબંધ લખ્યો હશે અમે તેને રોકડ ઈનામ અને સર્ટીફિકેટ આપીશું. ભાજપના ભ્રષ્ટાચાર પર શ્રેષ્ઠ નિબંધ લખનારને પહેલું ઈનામ 51,000 રૂપિયા આપવામાં આવશે.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. જેની સામે કોંગ્રેસ અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે. ત્યારે યૂથ કોંગ્રેસ અને NSUI દ્વારા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટેની અપીલ પણ કરવામાં આવી છે.
ભ્રષ્ટાચારનો નિબંધ લખો ને રૂપિયા જીતો...આ જાહેરાત કરી છે કોંગ્રેસે. રાજકોટમાં સુશાસન માટે કોંગ્રેસનું નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વિજેતાને 51000 રૂપિયા, બીજા વિજેતાને 21000 રૂપિયા અને ત્રીજા વિજેતા 11000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા તંત્રમાં વિવિધ મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે લોકોને અને તંત્રને જગાડવા તેમજ ભ્રષ્ટાચાર થતો અટકાવવા માટે યૂથ કોંગ્રેસ અને NSUI દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આ ભ્રષ્ટાચારથી ખરડાયેલી મહાનગરપાલિકામાં સુશાસન માટે કોંગ્રેસ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપના રાજમાં સ્મશાનનાં લાકડામાં પણ કૌભાંડ થતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડો. રાજદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રોડ-રસ્તા સહિત હવે સ્મશાનનાં લાકડાંમાં પણ કૌભાંડ સામે આવી રહ્યા છે. આવા મુદ્દે જાહેર જીવનમાં આક્ષેપબાજી થતી હોય છે. પરંતુ યૂથ કોંગ્રેસ તેમજ NSUI દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે લાવી શકાય તેના માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
1500-2000 શબ્દોમાં નિબંધ લખી અમને મોકલો-
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડો. રાજદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, આ નિબંધ સ્પર્ધામાં હાલ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને અટકાવી કઈ રીતે સુશાસન લાવી શકાય એ માટેનો 1500-2000 શબ્દોમાં નિબંધ લખીને લોકોએ અમને મોકલવાનો રહેશે. કોંગ્રેસી કાર્યકર સિવાયનો કોઈપણ વ્યક્તિ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. અમારા તજજ્ઞોની ટીમ દ્વારા આ નિબંધો પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ નક્કી કરવામાં આવશે. જેમાં વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને રૂ.51,000 દ્વિતીય સ્પર્ધકને રૂ.21,000 અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકને રૂ. 11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે.
કેમ કરાયું આ નિબંધ સ્પર્ધાનું આયોજન?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડો. રાજદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ જે કોઈ શાસન ચલાવે છે તે તાયફામાં વ્યસ્ત અને મસ્ત રહે છે અને બીજી બાજુ પ્રજા ત્રસ્ત રહે છે. પ્રજાનો સાચો અવાજ સામે આવે અને પ્રજા કોર્પોરેશન તંત્ર પાસે શું અપેક્ષા રાખે છે તે સામે આવે તેના માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ પણ લેશે અને રાજકીય નેતાઓ વિચારી ન શકે તેવાં મહત્ત્વનાં સૂચનો મળશે.
ભ્રષ્ટાચાર પર નિબંધ લખીને ક્યાં મોકલવો?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડો. રાજદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટના યાજ્ઞિક રોડ પર પિંક પોઇન્ટના ત્રીજા માળે 302 નંબરની ઓફિસમાં સવારે 10થી 6 દરમિયાન રૂબરૂ અથવા રજિસ્ટર એડી મારફત મોકલી શકાશે. જાહેર જનતાને ૧૦ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધીમાં કોંગ્રેસને નિબંધ પહોંચાડવાના રહેશે. કોંગ્રેસ મહાનગરપાલિકાના સુશાશન અંગે લોકો પાસેથી સૂચનો માંગવા આ પ્રયોગ હાથ ધરાયો છે.