અબડાસા: ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો માટે પેટાચૂંટણી યોજાવવાની છે જેને લઇને બંને પક્ષોએ પુરજોશમાં પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. ત્યારે આજે સી.આર. પાટીલનો અબડાસા વિધાનસભા સીટ અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાયો હતો. સી આર પાટીલ અબડાસા વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આ ચૂંટણી પ્રવાસ દરમિયાન ઉમા વિદ્યાલય, નખત્રાણા ખાતે જુદી-જુદી શ્રેણીબદ્ધ બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે કિસાન મોરચા દ્વારા સી. આર. પાટીલની ફળતુલા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથેની બેઠક અને કાર્યકર્તા સંમેલનને સંબોધ્યા હતા. આ ઉપરાંત તેઓએ કચ્છના સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, ભાજપ સંગઠનના અગ્રણીઓ સાથેની બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું. 


આ સમગ્ર બેઠકોમાં તેમની સાથે પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારી કે. સી. પટેલ,સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વાસણભાઇ આહિર, પ્રદેશ ભાજપા મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી સહિતના સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


સી આર પાટીલે આ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપાના પ્રદેશથી લઈને બુથ સુધી મજબૂત સંગઠન માળખું ધરાવે છે. ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને સંસદની ચૂંટણીમાં એક યોદ્ધાની જેમ સક્રિય હોય છે. ચૂંટણી વ્યવસ્થાપનમાં સામેલ પ્રત્યેક કાર્યકર્તા અને પ્રત્યેક પ્રવિધી અગત્યના હોય છે તેમાંથી એક પણ બાબતને ગૌણ ન સમજવા જોઈએ.


સી આર પાટીલે જણાવ્યું હતું કે આજે ભાજપા વિશ્વનું સૌથી મોટું રાજકીય સંગઠન બન્યુ છે તે માત્ર ને માત્ર કાર્યકર્તાઓની નિષ્ઠા અને સમર્પિતતાને આભારી છે ભાજપાએ હંમેશા સંગઠનને સેવાનું માધ્યમ બનાવ્યું છે. નાગરિકોની પ્રત્યેક મુશ્કેલીઓમાં ભાજપાના દરેક કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવીને અડીખમ ઊભા રહ્યા છે.


સી આર પાટીલે કચ્છી માડુઓના ખમીરને બિરદાવતા કહ્યું હતું કે આ કચ્છ પ્રદેશના લોકોની ખુમારી જ છે જેના લીધે ભૂકંપ બાદ કચ્છ બમણાં વેગથી બેઠું થયું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે વખતે કચ્છને તમામ મોરચે સહાય કરીને વિકાસની રાહ પર આગળ વધારવા કરેલા દ્રઢ નિર્ધાર અને તેને આનુષંગિક લીધેલા નિર્ણયો અને નીતિઓના કારણે આજે કચ્છ સમગ્ર ગુજરાત અને દેશમાં સૌથી ઝડપથી વિકાસ પામી રહ્યું છે.


સીઆર પાટિલે કહ્યું હતું કે કોન્ગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો આપ્યા કોંગ્રેસીઓની ગરીબી હટી ગઈ પણ ગરીબ માણસોને ગરીબી ન હટી. કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચારના કારણે ગરીબ વધુ ગરીબ થતાં ગયા. કોંગ્રેસે પોતાના શાસન દરમિયાન દેશને લૂંટવાનું અને હવા, પાણી અને જમીનમાંથી માત્ર ને માત્ર પૈસા ઉભા કરવાનું કાર્ય કર્યું છે. દેશના નાગરિકોનું ભલું થાય એવી એક પણ યોજના કોંગ્રેસે બનાવી હોય તેવો દાખલો આજદિન સુધી જોવા મળ્યો નથી.


સી. આર. પાટીલે કોંગ્રેસના જુઠ્ઠા અને બેબુનિયાદ આક્ષેપોનો સણસણતો જવાબ આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ જૂઠ્ઠાણા  ફેલાવવામાં અને ગોબેલ્સ પ્રચારમાં માહિર છે. તેમના પર પર અસંખ્ય કેસ ચાલવાના આક્ષેપ વિશે તેમણે કહ્યું હતું કે જો કોઈપણ ક્રિમિનલ કે સિવિલ કેસ મારી પર ચાલતો હોય તેવું આક્ષેપ કરનારા સાબિત કરી આપે તો હું મારું સાંસદપદ છોડવા તૈયાર છું. અન્યથા આક્ષેપો કરનાર જાહેર જીવન અને રાજકારણ છોડે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે જે લોકો કોંગ્રેસમાં જોડાયાને હજુ ચાર દિવસ માંડ થયા છે, કોંગ્રેસનો પુરો ઈતિહાસ પણ જાણતા નથી. તેવા લોકોએ વર્ષોથી કોંગ્રેસના બની બેઠેલા વિદેશી અધ્યક્ષ વિશેના સવાલનો જવાબ જનતાને આપવો જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube