Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વગર મેદાનમાં ઉતરશે કોંગ્રેસ, રઘુ શર્માએ કરી જાહેરાત
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વગર મેદાનમાં ઉતરશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંડલાવવાની છે. દરેક પાર્ટીઓ ચૂંટણીને લઈને પોતાની રણનીતિ બનાવી રહી છે. ત્યારે કોંગ્રેસ છેલ્લા 27 જેટલા વર્ષથી ગુજરાતની સત્તાથી દૂર છે અને પાર્ટી આ વર્ષે ચૂંટણીમાં જીત મેળવશે તેવી આશા કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે.
કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માનું મોટું નિવેદન
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મહત્વની જાહેરાત કરી છે. રઘુ શર્માએ કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે નહીં. એટલે કે કોંગ્રેસે કેપ્ટન વગર મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. રઘુ શર્માએ કહ્યુ કે અમે ચૂંટણી બાદ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરીશું.
આ પણ વાંચોઃ Digital India Week 2022: વિશ્વના કુલ ટ્રાન્જેક્શનમાંથી 40 ટકા ડિજિટલ ટ્રાન્જેક્શન ભારતમાં થાય છેઃ પીએમ મોદી
2017માં પણ ચહેરા વગર મેદાનમાં ઉતરી હતી કોંગ્રેસ
ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસે 77 સીટો કબજે કરી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી માંડમાંડ 99 સીટો પર પહોંચી શકી હતી. 2017માં યોજાયેલી ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ઉભી થયેલી સ્થિતિનો ફાયદો સીધો કોંગ્રેસને મળ્યો હતો. 2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વગર મેદાનમાં ઉતરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube