ગૌરવ પટેલ/અમદાવાદ : ગઈકાલે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરતા કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ દોડતા થયા હતા. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થતા જ અલ્પેશને મનાવવા માટે દિલ્હીથી તેડુ આવ્યું હતું. ત્યારે હવે તેના પરિણામે ગુજરાત કોગ્રેસમાં અલ્પેશ ઠાકોરને મહત્વની જવાબદારી સોંપવામાં આવનાર છે તેવી દિલ્હીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશની એકતા યાત્રા થકીના શક્તિ પ્રદર્શનથી કોંગ્રેસ પર દબાણ ઉભું થયું હતું. દિલ્હીમાં પ્રભારીએ પ્રમુખ, નેતા વિપક્ષ સાથે કરેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેમાં હવે કોંગ્રેસમાં સૈદ્ઘાંતિક નિર્ણયો લેવામાં અલ્પેશ ઠાકોરના પણ સલાહ-સૂચનો લેવામાં આવશે. તેમજ આગામી લોકસભાની ચૂંટણી આવતી હોઈ ચૂંટણીની વિવિધ ચાર સમિતિઓમાં પણ તેને જવાબદારી આપવામાં આવશે તેવું જાણવા મલ્યું છે. ચૂંટણી માટેની પ્રદેશ ઈલેક્શન કમિટિ, કો-ઓર્ડિનેશન કમિટિ, મેનિફેસ્ટો કમિટિ તથા પ્રચાર પ્રસાર કમિટીઓમાં અલ્પેશને સ્થાન મળશે તેવું બેઠકમાં નિર્ણય લેવાયો છે. 


ઉલ્લેખનીય છે કે, અલ્પેશ છેલ્લાં કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષમાંથી નારાજ હતો, જેને પરિણામે તે કોંગ્રેસની કારોબારીની બેઠકોમાં પણ હાજરી આપતો ન હતો. પક્ષ પ્રત્યેની તેની નારાજગી આંખે ઉડીને વળગે તેવી હતી.