ગાંધીનગરઃ મંગળવાર (18 સપ્ટેમ્બર)થી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર મળશે. આ સત્રમાં રાજ્ય સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસે ખાસ રણનીતિ બનાવી છે. જેથી આગામી 48 કલાક રાજ્ય સરકાર માટે મહત્વના છે. કોંગ્રેસે ખેડૂતોને થઈ રહેલા અન્યાય, દેવા માફી, બેરોજગારી સહિતના અનેક મુદ્દા પર કાર્યક્રમો જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યપ્રધાને યોજી બેઠક
કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ વિરોધને ટાળવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મહત્વના વિધેયકો પાસ કરાવાની યોજના બનાવી છે. કોંગ્રેસના વિરોધને ખાળવા માટે સીએમે એક ટીમ પણ બનાવી છે. 


ભાવ વધારો, પાણી અને ખેડૂતોના મુદ્દે ગૃહમાં સરકારને ઘેરવા કોંગ્રેસ તૈયાર
ગુરૂવારથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રમાં કોંગ્રેસ ભાજપને વિવિધ મુદ્દે ઘેરવા માટે તૈયાર છે. જેમાં મહત્વનો મુદ્દો, છેલ્લા ઘણા સમયથી વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવનો છે. આ સાથે ખેડૂતોને પાણી, બેરોજગારી સહિતના અનેક મુદ્દે કોંગ્રેસ ભાજપ પર આક્રમક છે. જેથી આવતીકાલથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં આ તમામ મુદ્દા કોંગ્રેસ ઉઠાવશે. 


વિધાનસભા બહાર કોંગ્રેસની આક્રોશ રેલી
આ વખતે કોંગ્રેસે સરકારને વિધાનસભાની અંદર અને બહાર ઘેરવા માટે તૈયાર છે. એકતરફ કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની અંદર સરકાર પર આક્રમક છે તો બહાર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાયને લઈને આક્રોશ રેલી અને વિધાનસભાને ઘેરવાનો પ્લાન તૈયાર કરાયો છે. મંગળવાર (18 સપ્ટેમ્બર) સવારે 9 કલાકે સત્યાગ્રહ છાવણી ગાંધીનગરથી કોંગ્રેસની આ ખેડૂત આક્રોશ રેલી શરૂ થશે અને ત્યારબાદ વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. 


કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર રજૂ કરશે અવિશ્વાસ પ્રસ્તાવ
ગુજરાત વિધાનસભાનું બે દિવસિય સત્ર તોફાની બની રહે તેવા એંધાણ છે. એક તરફ કોંગ્રેસ ગુજરાત સરકારને ઘેરવા માટે તૈયાર છે. તો બીજીતરફ કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર રૂપાણી મંત્રીમંડળની વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. 



પાટનગર ફેરવાયું પોલીસ છાવણીમાં
મંગળવારથી શરૂ થઈ રહેલા બે દિવસના વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. કોંગ્રેસ ખેડૂતોની દેવા માફી સહિત અનેક મુદ્દે પ્રદર્શન કરશે. જેમાં વિધાનસભાને ઘેરવાની પણ તૈયારી છે. જેથી સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જેમાં 5 DYSP, 10 PI, 35 PSI, 70 મહિલા પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે.