Vadodara Municipal Elections માં કોંગ્રેસનો સફાયો, નેતાઓ જનતાને સમજાવવામાં નિષ્ફળ
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો અને કોંગ્રેસનો સફાયો થયો છે. કોરોના મહામારી સમયે કોર્પોરેશનની ચૂંટણીમાં 47.84 ટકા મતદાન થયું. ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરશે તેવું અનુમાન રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા હતા
રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો અને કોંગ્રેસનો સફાયો થયો છે. કોરોના મહામારી સમયે કોર્પોરેશનની ચૂંટણીમાં 47.84 ટકા મતદાન થયું. ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરશે તેવું અનુમાન રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા હતા પરંતુ પરિણામ આવ્યા બાદ ઓછું મતદાન ભાજપની તરફેણમાં આવ્યા હોવાનુ સાબિત થયું છે. ભાજપે 19 વોર્ડની 76 બેઠકોમાંથી 69 બેઠક અને કોંગ્રેસે માત્ર 7 બેઠક પર જીત મેળવી.
વડોદરામાં ભાજપની લહેરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની કારમી હાર થઈ છે જેમાં વોર્ડ 2 માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલની હાર થઈ, કારણ કે અતુલ પટેલ વર્ષ 2015 માં વોર્ડ 1 માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ નવા સીમાંકનના કારણે તેમને વોર્ડ 2 માં કોંગ્રેસે ટિકિટ આપી. વોર્ડ 2 ભાજપનો ગઢ હોવાથી અને કોંગ્રેસની જૂથબંધીના કારણે અતુલ પટેલની હાર થઈ. તેવી જ રીતે વોર્ડ 4 માં સતત પાંચ વર્ષ પ્રજાની વચ્ચે રહેલા અનિલ પરમારની હાર થઈ. અનિલ પરમારની હાર પાછળ નવું સીમાંકન સૌથી મોટું પરિબળ છે.
નવા સીમાંકનમાં ભાજપના ચુસ્ત મતદારોનો વિસ્તાર ઉમેરવામાં આવ્યો જેથી અનિલ પરમાર હાર્યા. તેવી જ રીતે વોર્ડ 7 અને 14 માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણા અને હેમાંગિની કોલેકરની પણ નવા સીમાંકનના કારણે હાર થઈ. તો કોંગ્રેસના સતત 7 ટર્મથી ચૂંટણી જીતતા કદાવર નેતા ચિરાગ ઝવેરીની 34 વર્ષ બાદ કોર્પોરેશનની ચૂંટણીમાં હાર થઈ. વોર્ડ 18 માં નવા સીમાંકનમાં માંજલપુર ઉપરાંત માણેજા અને વડસર ગામનો પણ સમાવેશ થયો. જેથી ચિરાગ ઝવેરી સહિત આખી પેનલને હારનો સ્વાદ ચાખવો પડ્યો.
આ પણ વાંચો:- મોરના ઇંડા ચિતરવા ન પડ્યા: પુત્રએ રાજકારણમાં પિતાને પણ પાછળ છોડ્યા
વોર્ડ 1 માં ભાજપના દિગ્ગજ નેતા અને પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલની કારમી હાર થઈ. અગાઉ સતીશ પટેલ વર્ષ 2015 માં વોર્ડ 2 માંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ નવા સીમાંકનના કારણે સતીશ પટેલનો મોટાભાગનો વિસ્તાર વોર્ડ 1 માં સમાવેશ થતાં ભાજપે તેમને વોર્ડ 1 માં ટિકિટ આપી. પરંતુ વોર્ડ 1 કોંગ્રેસનો ગઢ છે જેને સતીશ પટેલ તોડી ના શક્યા અને તેમની હાર થઈ. ભાજપની બંપર જીત પાછળ સૌથી મોટું કારણ તેનું સંગઠન છે.
ભાજપે પેજ પ્રમુખથી લઈ પેજ સમિતિનું કામ ખૂબ ઝડપથી અને ખૂબ ઝીણવટપૂર્વક કર્યું. એટલું જ નહિ કોર્પોરેશનની ચૂંટણી જાહેર નહોતી થઈ તે પેલા તો તમામ 19 વોર્ડમાં ચૂંટણી કાર્યલય શરૂ કરી દીધા. સાથે જ ભાજપે કોર્પોરેશન ચૂંટણીમાં 51 કોર્પોરેટરની ટીકીટ કાપી નાખી અને નવા શિક્ષિત ચહેરાઓને ટિકિટ આપી. સાથે જ વોર્ડ નંબર 9 માં ભાજપ માટે માથાના દુઃખાવા સમાન બનેલા રાષ્ટ્રીય સમાજ પક્ષના નેતા રાજેશ આયરે ને ચૂંટણી પહેલા ભાજપમાં એન્ટ્રી અપાવી દીધી.
આ પણ વાંચો:- વડોદરાવાસીઓએ ભાજપને કર્યું વ્હાલ, કોંગ્રેસને ડબલ ડિજિટલ સુધી પણ પહોંચી ન શકી
જેનો સીધો ફાયદો ભાજપને એ થયો કે જે વોર્ડ નંબર 9માં ભાજપ ચારેય બેઠક હારતું હતું તે તમામ 4 બેઠક ભાજપ આ ચૂંટણીમાં જીત્યું. ભાજપે ચૂંટણી જીતવા ખૂબ માઇક્રો પ્લાનિંગ કર્યું, જેમાં દરેક વોર્ડ પ્રમાણે આગેવાનોને ગ્રુપ મીટીંગ કરી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આદેશ કર્યો. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ ધરી કમળના ચિન્હને મત આપવા લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ભાજપ જે વોર્ડમાં નબળી પડતું હતું ત્યાં જાહેર સભાઓ કરાવી.
ડોર ટુ ડોર પ્રચાર માટે સાંસદ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારોને મેદાનમાં ઉતાર્યા. આ ઉપરાંત જે લોકોને ટિકિટ ના મળી અને જે લોકો પક્ષથી નારાજ હતા તેમને ચૂંટણીમાં અલગ અલગ જવાબદારી સોંપી તેમને પણ ખુશ કર્યા. સાથે જ સોશીયલ મીડીયા પર ભાજપે ભરપૂર પ્રચાર કર્યો. જેમાં વડોદરા માટે બનાવેલ થીમ સોંગ, ડોક્યુમેન્ટ્રી તૈયાર કરી સોશીયલ મીડિયામાં વાયરલ કરી અને લોકોને ભાજપે કરેલા કામનો હિસાબ આપ્યો. આમ ભાજપનું માઇક્રો પ્લાનિંગ પાલિકાની ચૂંટણીમાં બમ્પર જીત માટે કારણભૂત બન્યું.
આ પણ વાંચો:- વડોદરામાં ભાજપે મેળવ્યો બહુમત, સંસ્કારીનગરીમાં જીતનો જશ્ન
ભાજપને વર્ષ 2015 માં 76 માંથી 58 બેઠકો મળી હતી પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ 69 બેઠકો જીતી. ભાજપને 11 બેઠકોનું ફાયદો થયો. 19 વોર્ડમાંથી ભાજપની 16 વોર્ડમાં તો પૂરેપૂરી પેનલ જીતી. કોંગ્રેસ વર્ષ 2015 ની ચૂંટણીમાં 14 બેઠકો જીતી હતી પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડિજિટ નો આંકડો પણ પાર ના કરી શકી અને માત્ર 7 બેઠક જ જીતી શકી. કોંગ્રેસની ભૂંડી હાર પાછળનું કારણ છે કે વડોદરામાં કોંગ્રેસ પાસે સંગઠન જ નથી. કોંગ્રેસે ચૂંટણી લડવા માટે કોઈ માઇક્રો પ્લાનિંગ ના કર્યું.
કોંગ્રેસમાં અંદરોઅંદરની જૂથબંધી ચરમસીમાએ પહોંચી હતી જેથી જેમને ટિકિટ ના મળી તેવા કાર્યકરો નિષ્ક્રિય થયા અને કોંગ્રેસના જ ઉમેદવારોને હરાવવા મહેનત કરવા લાગ્યા. સાથે જ કોંગ્રેસના એક પણ મોટા નેતાએ વડોદરામાં જાહેર સભા ના કરી. તેમજ કોંગ્રેસે મોટા નેતાઓની આગળ પાછળ ફરતા કાર્યકરોને ટિકિટ આપી પરંતુ જે જીતી શકે તેવા ઉમેદવારોની અવગણના કરી તેમજ કોંગ્રેસ પાલિકાના તમામ ઉમેદવારોની યાદી પણ બહાર પાડી શકી નહિ.
આ પણ વાંચો:- ઝઘડિયાની UPL કંપનીમાં બ્લાસ્ટથી 24 કામદાર ઈજાગ્રસ્ત , 10 કિમી વિસ્તારમાં ભૂકંપ જેવો અવાજ સંભળાયો
છેલ્લી ઘડીએ ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા સૂચના આપી. એટલું જ નહિ કોંગ્રેસે ચૂંટણી જીતવા મરણિયો પ્રયાસ પણ કર્યો સાથે જ ચૂંટણીમાં ખર્ચ કરવામાં પણ આળશ કરી. સોશીયલ મીડીયામાં કોંગ્રેસ દેખાઈ જ નહિ. તો કોંગ્રેસ તમામ 19 વોર્ડમાં ચૂંટણી કાર્યલય પણ ના ખોલી શકી. કોંગ્રેસના નેતાઓ રોડ, રસ્તા, ગંદા પાણી, પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ જનતાને સમજાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા. આ તમામ કારણોના કારણે કોંગ્રેસ માત્ર 7 બેઠક પર જ સિમટી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube