અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદમાં ગોતાના ગોદરેજ ગાર્ડન સીટીમાં આવેલી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ ફરી વિવાદોમાં આવી છે. ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 10 જેટલા શિક્ષકોને 5 મહિનાના કપાત પગારથી રજા પર ઉતારી દેવાયા છે તો સાથે જ સ્કૂલ દ્વારા શિક્ષકોને સામેથી કહેવામાં આવ્યું કે તેઓ સ્વૈચ્છિક રજા પર ઉતરી રહ્યા છે તેવું લેખિતમાં લખી આપે. સ્કૂલ વિરુદ્ધ સ્પોર્ટ્સ શિક્ષકે 6 નવેમ્બરના રોજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કર્યો ઈ-મેઈલ અને અમદાવાદ ગ્રામ્ય DEOરાકેશ વ્યાસને કરી  ફરિયાદ છે પરંતુ 5 દિવસ બાદ પણ હજુ સુધી કોઈ પુછપરછ કે કાર્યવાહી થઇ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ ઈંટરનેશન સ્કુલ દ્વારા  31 ઓક્ટોબર 2020 થી 31 માર્ચ 2021 સુધી લેખિતમાં રજા પર ઉતરી જવા અંગે લખી આપવા શિક્ષકોને દબાણ કરાયું છે. શિક્ષકોને પગાર ચૂકવવો ના પડે તે માટે સ્કૂલ દ્વારા શિક્ષકોને રજા પર મોકલી દેવાયાનું કારસ્તાન ઘડવામાં આવ્યું છે. હંમેશા દરેક મામલે સામેથી કોઈ ફરિયાદ કરે પછી તપાસ થાય તેવી રાહ જોતા અમદાવાદ ગ્રામ્યના DEOએ લેખિત ફરિયાદ મળ્યા બાદ હજુ સુધી શાળાની મુલાકાત લીધી નથી. અને સ્કૂલને એકપણ સવાલ કર્યો નથી. ફરિયાદ મળ્યા છતાંય 5 દિવસથી મૌન એવા અમદાવાદ ગ્રામ્યના DEO સ્કૂલ વિરુદ્ધ શુ પગલા લેશે તે જોવું દિલચસ્પ બન્યું છે. હાલ તેઓએ તપાસના આદેશ આપ્યાનું કહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ તપાસ શરુ થઇ નથી.


ફરિયાદ કરનાર સ્પોર્ટ્સ શિક્ષક રાષ્ટ્રિય સ્તર પર રમત રમી ચુક્યા છે. પરંતુ હાલ તેઓ ન્યાય માટે DEO કચેરીના ધક્કા ખાવા પર મજબુર બન્યા છે. સ્કૂલની નોઈડા ઓફિસના HRદ્વારા પ્રિન્સિપલને અપાયેલી સૂચના મુજબ 10 જેટલા શિક્ષકોને રજા પર જવા દબાણ કરાયા અંગેની DEOને ફરિયાદ કરાઈ છે.  31 ઓક્ટોબરથી આગામી 5 મહિના સુધી પગાર ચુકવવામાં નહીં આવે તેવું શિક્ષકોને જણાવવામાં આવ્યું છે.


ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કુલ પહેલીવાર વિવાદમાં સપડાઈ તેવું પહેલીવાર નથી બની અગાઉ દોઢ વર્ષ પહેલાં FRCથી મળેલી મંજૂરી કરતા વધુ ફી ઉઘરાવવા મામલે ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી હતી. સ્કુલે એની મરજી મુજબ ફી ના ભરનાર વાલીઓના બાળકોનો અભ્યાસ અટકાવી દીધો હતો. FRCએ કહ્યા મુજબ જ ફી ભરવા માગતા વાલીઓ સ્કૂલની દાદાગીરી વિરુદ્ધ કોર્ટના શરણે પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે તે સમયે FRCની અનુમતિ કરતા વધુ ફી ના ઉઘરાવવા સ્કૂલને સ્પષ્ટ આદેશ કર્યો હતો, જે સમગ્ર રાજ્યની શાળાઓને પડ્યો લાગૂ હતો. અગાઉ કોર્ટની લપડાક ખાઈ ચુકેલી એવી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ હવે શિક્ષકોને પગારના ચૂકવવા મામલે વિવાદોમાં ઘેરાઈ છે.


રાજ્યના શિક્ષણ વિભાગે અગાઉ સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ સ્કૂલ કોરોના મહામારીમાં કોઈપણ શિક્ષક કે અન્ય સ્ટાફને છુટા ના કરે તેમજ પગાર કાપે નહીં તેવું ઈચ્છનીય છે, છતાંય સરકારની વાત સ્કૂલે અવગણી પોતે મનમાની કરતા આખરે સ્કૂલ વિરુદ્ધ શિક્ષકે ફરિયાદ કરી છે.. જો કે સમયાંતરે કેટલીક ખાનગી શાળાઓએ પોતાના સ્ટાફનો પગાર કાપ્યો, ઘટાડયો હોય તેમજ કેટલાક કર્મચારીઓને છુટા કરી દીધા હોય તેવી ખબરો સામે આવતી રહી છે. 


પરંતુ જ્યારે આ પ્રકારની ખબરો સામે આવે છે ત્યારે જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી એક જ વાત કહી બચાવ કરે છે કે હજુ અમને કોઈ ફરિયાદ મળી નથી. હવે CBSE બોર્ડના વર્ગો ચલાવતી અને વાલીઓ માટે મોંઘી ગણાતી એવી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલની ફરિયાદ શિક્ષકે કરતા શુ કાર્યવાહી થશે તે મહત્વપૂર્ણ બની સાથે જ આગામી સમયમાં આ ઘટના બાદ અન્ય શાળાઓ માટે આ બનાવ એલાર્મરૂપ સાબિત થાય તો નવાઈ નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube