Gujarat સહિત 5 રાજ્યોમાં Corona વકર્યો, નવા સ્ટ્રેઈન મામલે કોઈ બાંધછોડ થશે તો સ્થિતિ વણસી શકે છે
- કેન્દ્રીય ટીમ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે
- અમદાવાદના પૂર્વ અને પોશ વિસ્તારમાં કોરોનાના કેસ એકાએક વધ્યાં, ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના 5 રાજ્યોમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા RT PCR ટેસ્ટ વધારવા કેન્દ્રની સૂચના
ઝી મીડિયા/બ્યૂરો :મહાનગરપાલિકાની ચૂંટણીઓ બાદ કોરોનાના કેસ (corona case) માં એકાએક વધારો થયો છે. લોકોમાં ફરીથી ફફડાટ ફેલાયો છે. શહેરી વિસ્તારમાં ચૂંટણી બાદ કોરોનાએ એટેક કર્યો છે. કેસ વધવાની આશંકાને પગલે અમદાવાદમાં ફરીથી ટેસ્ટિંગ પોઈન્ટ શરૂ કરાયા છે. તો ગુજરાતની બોર્ડર પર પણ ચેકિંગ કરાઈ રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસ (gujarat corona update) ના નવા 380 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 84, વડોદરામાં 80, રાજકોટમાં 55 અને સુરતમાં 64 નવા કેસ નોંધાયા છે. ત્યારે દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ મામલે કેન્દ્ર 10 રાજ્યોમાં ટીમ મોકલશે. જેમાં ગુજરાતમાં પણ ટીમ આવવાની છે.
કેન્દ્રની ટીમ ક્યાં ક્યાં જશે
કેન્દ્રીય ટીમ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. આ રાજ્યોમાં વધી રહેલા કોરોના સંક્રમણ (corona virus) મામલે રાજ્યના આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરશે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વધતા કોરોના સંક્રમણ મામલે સમીક્ષા કરવા સૂચના આપી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના 5 રાજ્યોમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા RT PCR ટેસ્ટ વધારવા કેન્દ્રની સૂચના છે. તેમજ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો પણ ફરજીયાત RTPCR ટેસ્ટની કેન્દ્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નવા સ્ટ્રેઈન મામલે કોઈપણ બાંધછોડ થશે તો સ્થિતિ વણસી શકે છે.
આ પણ વાંચો : ચમત્કારિક ઘડામાં ગમે તેટલું પાણી નાંખો છતાં ભરાતો નથી, પી ગયું છે 50 લાખ લીટર પાણી
અમદાવાદમાં ચૂંટણી બાદ કોરોના વધ્યો
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ચૂંટણી બાદ કોરોના વધ્યો છે. ફરી કોરોનાનો પગ પેસારો જોવા મળ્યો છે. આ કારણે શહેરોમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધી રહ્યાં છે. અમદાવાદના પૂર્વ અને પોશ વિસ્તારમાં કોરોનાના કેસ એકાએક વધ્યાં છે. બોડકદેવના શુભમ સ્કાય ,ગોતા સાયન્સ સીટીના વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે.
ગુજરાતમાં હજી નથી દેખાયું કોરોનાનું નવુ વેરિએન્ટ્સ
એક્સપર્ટસ મુજબ, 3 રાજ્યોમાં કોરોનાના 2 નવા વેરિએન્ટ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગણામાં કોરોનાના બે મ્યુટેટેડ વેરિએન્ટ N440K અને E484K મળ્યા છે. વિશેષજ્ઞોને લાગે છે કે એક્ટિવ કેસ વધવાનું કારણ આ મ્યુટેટેડ વેરિએન્ટ હોઈ શકે છે. હાલ એમ ન કહી શકાય કે નવા કેસ સામે આવવા માટે આ વેરિએ્ટ્સ જવાબદાર છે. જોકે, હજી ગુજરાતમાં કોરોનાનું નવુ વેરિએન્ટ જોવા મળ્યું નથી.
આ પણ વાંચો : મેયરની રેસમાં કોણ આગળ? આ નામો પર ચાલી રહી છે ચર્ચા
દેશના 36 માંથી 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. કોરોનાના નવા કેસમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 81 ટકા, મધ્યપ્રદેશમાં 43 ટકા, પંજાબમાં 31 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 22 ટકા, છત્તીસગઢમાં 13 ટકા અને હરિયાણામાં 11 ટકા વધારો નોંધાયો છે. કોરોના મહામારી સામેની લડાઈ જીતવા ભારતમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે પહેલી માર્ચથી સિનિયર સિટીઝનને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે, હવે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના વેક્સીન આપી શકાશે. શરત એ રહેશે કે, વેક્સીન તે લોકોને જ આપવામાં આવશે. જે સરકારના નિયમો પ્રમાણે વેક્સીન મેળવવા માટેના હકદાર છે.
આ પણ વાંચો : હવે માનવભક્ષી દીપડાનું લોકેશન જાણી શકશે, ગીરમાં દીપડાને લગાવાયા રેડિયો કોલર
સુરતમા માસ્ક માટે દંડ વસૂલાયો
સુરતમાં માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવામા આવી છે. ગઈકાલે બુધવારે એક જ દિવસમાં 394 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. પોલીસે લોકો પાસેથી 3 લાખ 94 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. લોકો નહિ સુધરે તો પોલીસ ફરિયાદ પણ કરાશે.