કોરોનામાં માતા-પિતા ગુમાનારા જામનગરના 24 બાળકોના ખાતામાં દર મહિને સરકાર 4 હજાર જમા કરાવશે
કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોના ખાતામાં દર મહિને ગુજરાત સરકાર 4 હજાર જમા કરાવશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ચીનના વુહાનથી નીકળેલાં જીવલેણ કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં ગુજરાતે પણ પોતાના અનેક નાગરિકો ગુમાવ્યાં છે. આ સ્થિતિમાં ગુજરાત સરકાર કોરોનામાં માતા-પિતા ગુમાનારા નિરાધાર બાળકો માટે આધાર બની છે.
કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર સરકાર બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિરાધાર બાળકો પ્રત્યે પિતૃવત્સલ સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળના અનાથ-નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી દર મહિને રૂા. 4000ની સહાય આપવામાં આવે છે. તેની વયમર્યાદા વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય જાહેર કરાયો છે.
કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોકળા મને સંવાદ કર્યો હતો. કોરોના સમય ગાળામાં બંને માતા-પિતા ગુમાવેલ બાળકો માનસિક રીતે પડી ન ભાંગે અને બાળકોને જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મનની મોકળાસ કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જામનગરનો 14 વર્ષીય સુફિયાન મુખ્યમંત્રીના નિવાસસ્થાને કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યો હતો. તેને પણ સરકાર વતી પુરી સહાનુભૂતિ પાઠવીને નિશ્ચિંત રહેવા અને સરકાર તમારી ચિંતા કરશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી. આ બાળકોના માતા-પિતાના અવસાન થયા છે ત્યારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જામનગરના 24 બાળકોના ખાતામાં ગુજરાત સરકાર દર મહિને 4 હજાર રૂપિયા જમા કરાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube