બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ફરી એકવાર દુનિયાપર મંડરાઈ રહ્યો છે જીવલેણ કોરોનાની મહામારીનો ખતરો. અઢી વર્ષ પહેલાં ચીનના વુહાનથી નીકળેલાં આ જીવલેણ વાયરલે દુનિયાભરમાં અનેક લોકોનો ભોગ લીધો હતો. માંડ આ સંકટ ટળ્યું હતું ત્યાં તો ચીનમાં ફરી એકવાર કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેને કારણે ભારત સરકાર પણ સતર્ક થઈ ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન અને સુચના અનુસાર ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત કેંદ્રની એડવાઈઝરી ને ચુસ્ત પણે પાલન કરવા કવાયત હાથ ધરાઈ છે. તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના આપવામાં આવી છે. દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા પણ સુચના અપાઈ છે. એટલું જ નહીં આપણે ત્યાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની સતર્કતાના ભાગરૂપે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવતા વિદેશી પ્રવાસીઓના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અંગે આદેશ અપાયો છે. તમામ સેમ્પલનું જીનોમ સિક્વન્સ માટે સુચના આપવામાં આવી છે.


ઉલ્લેખનીય છેકે, ચીનમાં કોરોનાના એકવાર ફરીથી ઝડપથી ફેલાવવાના સમાચારોએ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં આવનારા કેટલાક દિવસોમાં કોવિડ કેસોમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ચીન મોટા શહેરોમાં અંતિમ સંસ્કારવાળા ઘરોમાં મૃતદેહોની સંખ્યા અંગે માહિતી છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીનના લોકોએ હાલમાં જ શૂન્ય કોવિડ નીતિનો વિરોધ કર્યો હતો. જેનાથી અધિકારીઓએ બીમારીને નિયંત્રિત કરવા માટે અમલમાં મૂકાયેલા ઉપાયો રદ કરવા મજબૂર થવું પડ્યું. જો કે આ પગલાંએ ચીનને છેલ્લા 3 વર્ષના સૌથી મહત્વપૂર્ણ કોવિડ પ્રકોપના દરવાજે  લાવીને મૂકી દીધું.