ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત, સુરતના 67 વર્ષના વ્યક્તિ હતા સારવાર હેઠળ
ગુજરાતમાં આજે જનતા કર્ફ્યૂના દિવસે જ કોરોના વાયરસથી એક મોત થયું હોવાનો કેસ સામે આવ્યો છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી છે. સુરતના 67 વર્ષના આ વૃદ્ધ કોરોના પોઝિટિવ હતાં અને મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. જયપુર દિલ્હીથી સુરત આવ્યાં હતાં. આ સાથે દેશમાં કોરોનાથી કુલ 7 મોત થયા છે જેમાંથી એક મોત ગુજરાતમાં નોંધાયું છે.
ચેતન પટેલ, સુરત: ગુજરાતમાં આજે જનતા કર્ફ્યૂના દિવસે જ કોરોના વાયરસથી એક મોત થયું હોવાનો કેસ સામે આવ્યો છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી છે. સુરતના 67 વર્ષના આ વૃદ્ધ કોરોના પોઝિટિવ હતાં અને મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. જયપુર દિલ્હીથી સુરત આવ્યાં હતાં. આ સાથે દેશમાં કોરોનાથી કુલ 7 મોત થયા છે જેમાંથી એક મોત ગુજરાતમાં નોંધાયું છે.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના પ્રથમ મોતના અહેવાલની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પુષ્ટિ કરી છે. સુરતમાં કુલ 3 દર્દીઓ કોરોના પોઝિટિવ હતાં. જેમાંથી એકનું મોત થયું છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 18 કેસ પોઝિટિવ હતાં જેમાંથી એક દર્દીનું આજે મોત થયું છે. વૃદ્ધના સંપર્કમાં આવેલા સાત લોકોને ગઈ કાલે જ ક્વોરન્ટાઈન વોર્ડમાં ખસેડાયા હતાં.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં હાલ 6092 લોકો હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. અમદાવાદમાં 650 લોકો, સુરતમાં 590, ગાંધીનગરમાં 223 લોકો હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. સરકાર આ મામલે ખુબ આકરી કાર્યવાહી કરી રહી છે. જે લોકો ક્વોરેન્ટાઈન ગાઈડલાઈનનો ભંગ કરશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે. 93 લોકોએ ક્વોરેન્ટાઈન ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. સરકારે એ પણ નક્કી કર્યું છે કે જે 18 પોઝિટિવ કેસ આવ્યાં છે તેમના નામ પણ જાહેર કરાશે.
નામ જાહેર કરવા પાછળનો સરકારનો હેતુ એ છે કે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ખ્યાલ આવે કે તેમણે કોરોના પોઝિટિવ વ્યક્તિ સાથે મુલાકાત કરી છે. આવા લોકોએ તરત જ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરીને ચકાસણી કરાવવી.