Coronaએ બદલી ચાલ, પાટણમાં જોવા મળેલું નવું રૂપ ભારે ડરામણું
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસો બહુ ઝડપથી વધારો થયો છે. આ સંજોગોમાં પાટણથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે.
પાટણ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસો બહુ ઝડપથી વધારો થયો છે. આ સંજોગોમાં પાટણથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે. હાલમાં પાટણમાં કોરોનાથી સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓને ફરીથી કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસની વિગતો જોઈએ તો નેદ્રા ગામના બે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા ધારપુર મેડીકલ કોલેજ ખાતેથી ડિસ્ચાર્જ આપીને ફેસિલિટી ક્વોરેન્ટિનમાં રાખવામાં આવ્યા હતા.બંનેના ફોલોઅપ સેમ્પલ લેતા તેઓ ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સંજોગોમાં બંનેને ફરીથી ફેસિલિટી ક્વોરેન્ટિનમાંથી ધારપુર મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આમ, પાટણમાં ગુજરાતનો એવો પહેલો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં સ્વસ્થ થયેલા દર્દી ફરી કોરોના પોઝિટિવ બન્યા છે.
રાજ્યમાં આવેલા કોરોના (Coronavirus) ના નવા કેસના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. ગઈકાલ સાંજ બાદ ગુજરાતમાં 152 નવા કેસ સામે આવ્યા છે અને 2 લોકોના મોત નિપજ્યા છે. નવા કેસોમાં અમદાવાદ 94 નવા કેસ સાથે ટોચ પર છે. આ પછી સુરતમાં 30 કેસ, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2 કેસ છે. અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાંથી નવા 1-1 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 2559 પર પહોંચી ગઈ છે અને કુલ મૃત્યુ 105 થયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, નવા 152 કેસ અને 2 મૃત્યુની સામે ગઈકાલ સાંજ બાદ કોઈ રિકવર દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા નથી. આમ, અમદાવાદ રાજ્યમાં કોરોનાનું સૌથી મોટું ઝોન બની ગયું છે. માત્ર અમદાવાદ શહેરમાં જ કોરોનાના કેસનો આંકડો 1595 પર પહોંચી ગયો છે, જે રાજ્યના કુલ કેસના 60 ટકાથી વધુ કહી શકાય. રાજ્યના બીજા નંબર સુરતમાં 445 કેસ અને વડોદરામાં 222 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube