કોરોનાનું બિહામણું ચિત્ર : રોજ એટલા સેમ્પલ આવે છે કે RTPCR નો રિપોર્ટ આવતા 48 કલાક લાગે છે
કોરોનાનું ચિત્ર દિવસેને દિવસે બિહામણું બની રહ્યું છે. પરિસ્થિતિ જેમ જેમ વકરતી જઈ રહી છે, તેમ તેમ નવી સમસ્યાઓ સામે આવી રહી છે. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. આવામાં હવે કોરોના ટેસ્ટ કરાવનારા દર્દીઓનો રિપોર્ટ આવવામાં પણ વાર લાગી રહી છે. ખાનગી લેબમાં RTPCR નો રિપોર્ટ આવતા 48 કલાક જેટલો સમય થઈ રહ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાનું ચિત્ર દિવસેને દિવસે બિહામણું બની રહ્યું છે. પરિસ્થિતિ જેમ જેમ વકરતી જઈ રહી છે, તેમ તેમ નવી સમસ્યાઓ સામે આવી રહી છે. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. આવામાં હવે કોરોના ટેસ્ટ કરાવનારા દર્દીઓનો રિપોર્ટ આવવામાં પણ વાર લાગી રહી છે. ખાનગી લેબમાં RTPCR નો રિપોર્ટ આવતા 48 કલાક જેટલો સમય થઈ રહ્યો છે.
અમદાવાદમાં ગઈકાલે 1700 થી વધુ RTPCR ટેસ્ટ બી.જે.મેડિકલ કોલેજ ખાતે આવેલી લેબમાં કરાયા છે. સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં તેમજ અન્ય ગ્રીન ઝોનમાંથી લેવાયેલા સેમ્પલની સંખ્યામાં વધારો થતાં ટેસ્ટનું પ્રમાણ વધ્યું છે. સિવિલ કેમ્પસમાંથી લેવાયેલા સેમ્પલનો પોઝિટિવિટી રેશિયો ખૂબ જ વધી ગયો છે. સિવિલ કેમ્પસમાં ગઈકાલે લેવામાં આવેલા સેમ્પલમાંથી 25 ટકા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો ગ્રીન ઝોનમાંથી કલેક્ટ કરાતા સેમ્પલનો પોઝિટિવિટી રેશિયો અંદાજે 6 થી 8 ટકા આવી રહ્યો છે. તો બીજી તરફ, બી.જે.મેડિકલ કોલેજમાં કરાતા RTPCR ટેસ્ટમાં વધારો કરવા સરકાર તરફથી સૂચન કરાયું છે. હાલ થઈ રહેલા ટેસ્ટ બમણા કરવા આદેશ કરાયો છે.
આ પણ વાંચો : વકરતા કોરોના વચ્ચે રાહતના સમાચાર, ઝાયડસની દવા લીધા બાદ 91% દર્દીઓનો 7 દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો
રાજ્યમાં જે રીતે દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે તે જોતા કેન્દ્ર સરકારે વધુમાં વધુ RTPCR ટેસ્ટ કરવા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. ખાનગી લેબમાં RTPCR નો રિપોર્ટ આવતા 48 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. જો કે હાલ બી.જે. મેડિકલ કોલેજમાં આવતા સેમ્પલના રિપોર્ટ એક જ દિવસમાં આવી રહ્યા છે. આ વિશે બી.જે.મેડિકલ કોલેજના ડીન ડોકટર પ્રણય શાહે જણાવ્યું કે, 800 જેટલા ટેસ્ટ હંમેશા કરતા જ રહ્યા છીએ, 24 કલાક લેબ અમારી ચાલુ છે. 400 જેટલા રોજના સિવિલ કેમ્પસના ટેસ્ટ કરી રહ્યા છીએ. 2 કે 3 જેટલા તબીબો જેમણે વેક્સીન લીધી હતી અને પોઝિટિવ થયા હતા, તેમના સેમ્પલ લઈ પુના મોકલ્યા છે. કોઈ અન્ય મ્યુટેશન નથી જોવા મળ્યું. વધુ અભ્યાસ ચાલુ છે.
આ પણ વાંચો : ‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો
રાજકોટમાં ટેસ્ટ માટે લાંબી લાઈન
રાજકોટમાં પણ કોરોનાનું બિહામણું ચિત્ર તરી આવ્યું છે. રૈયા ચોકડી ટેસ્ટિંગ બુથ પર લોકોની ટેસ્ટ માટે લાંબી કતારો લાગી છે. માત્ર એક ટેસ્ટિંગ બુથ પર 50 ટકા પોઝિટિવ રેશિયો જોવા મળ્યો છે. 35 ટેસ્ટ કરતા 15 પોઝિટિવ દર્દી નોંધાયા છે. ત્યારે લાંબી લાઈનો જોતા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવામાં આવશે.
ટેસ્ટીંગ કીટ વાપર્યા બાદ ફેંકી દેવાઈ
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને તંત્રએ ઠેર ઠેર ટેસ્ટિંગ ડોમ ઉભા કર્યા છે. જો કે, ટેસ્ટિંગ ડોમની બહાર આજે પણ લોકોની લાંબી લાઈન જોવા મળી છે. સવારે 9.30 એ ટોસ્ટિંગ શરૂ કરવામાં આવે છે. પણ મેડિકલ સ્ટાફને સવારે માત્ર 50 જ ટેસ્ટિંગ કીટ આપવામાં આવે છે. જેના કારણે ટેસ્ટિંગ કીટની વારંવાર અછત સર્જાય છે. છેલ્લા 2 દિવસથી પ્રહલાદનગર ચાર રસ્તા પાસે આવેલા ટેસ્ટિંગ ડોમમાં ઉપયોગ કરેલી ટેસ્ટિંગ કીટનો ઢગલો પડેલો છે. તંત્રની બેદરકારીના કારણે ઉપયોગ કરેલી કીટનો નાશ કરાયો નથી.